અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોથી હાઇ કમાન્ડથી નારાજ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે 19 મેના રોજ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલી આપ્યું હતું. આ સાથે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની અટકળો તેજ બની છે. હાર્દિક પટેલ ઘણા વખતથી કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા. બીજી તરફ કેસરિયો ખેસ પહેરવાની ગંધ આવી જતાં પ્રદેશ નેતાઓએ પણ હાર્દિક પટેલના મનામણાં માટે કોઈ પ્રયાસો કર્યા ન હતા.
પક્ષ કામ આપવા તૈયાર નથીઃ હાર્દિકનો બળાપો
હાર્દિક પટેલ વારંવાર પક્ષવિરોધી નિવેદન કરી રહ્યા હોવાથી કોંગ્રેસે તેને પક્ષમાં હકાલપટ્ટી કરવાનું મન બનાવ્યું હતું પણ પક્ષ હકાલપટ્ટી કરે તે પહેલાં જ હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે. છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ પ્રદેશ કોંગ્રેસ નેતાઓથી નારાજ હતા. તેમનું કહેવું હતું કે મને કાર્યકારી પ્રમુખ બનાવ્યો ખરો પણ જવાબદારી નક્કી નથી. હું કામ માંગું છું પણ પક્ષ આપવા તૈયાર નથી.
‘દેશમાં જરૂર ત્યારે નેતા વિદેશમાં’
રાજીનામાના પત્રમાં હાર્દિક પટેલે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને નિશાન બનાવી એવા આક્ષેપ કર્યો હતા કે કોંગ્રેસના ટોચના નેતાઓ ગુજરાતવિરોધી છે. કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ પૂરતી સીમિત રહી છે એટલું જ નહીં, હાર્દિકે રાહુલ ગાંધી પર એવો ટોણો માર્યો છે કે દેશમાં જરૂર હતી કે તે વખતે કોંગ્રેસના નેતા વિદેશમાં હતાં.
રાજીનામા પત્રમાં હાર્દિક પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા નિર્ણયોની ભરપૂર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જનતા એવું નેતૃત્વ ઈચ્છે છે કે જે દેશ અને તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં રામમંદિર હોય, સીએએ - એનસીઆરનો મુદ્દો હોય, કાશ્મીરમાં 370 કલમ હટાવવાની હોય, જીએસટી લાગુ કરવાની હોય, કોંગ્રેસ અડચણરૂપ બની રહી છે.
‘નેતાની ચીકન સેન્ડવીચની વધુ ચિંતા’
હાર્દિકે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વિશે પ્રહાર કરતાં રાજીનામાંમાં ઉલ્લેખ કર્યો છે કે મારા જેવા કાર્યકરો પોતાના ખર્ચે પ્રવાસ કરી લોકો વચ્ચે જાય છે જ્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે. તેઓ તો દિલ્હીથી આવેલાં કોંગ્રેસના નેતાઓને સમયસર ચીકન સેન્ડવીચ મળી કે નહીં તેનું જ ધ્યાન રાખે છે. હું જ્યારે લોકો વચ્ચે જતો હતો ત્યારે લોકો મને કહેતાં હતાં કે તમે એવી પાર્ટીમાં કામ કરો છો, જે દરેક ગુજરાતીનું અપમાન કરે છે.
‘ગુજરાત કોંગ્રેસના નેતા વેચાઈ ગયા છે’
ગુજરાતના કોંગ્રેસી નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના પ્રશ્નો નબળા પાડ્યા છે અને બદલામાં આર્થિક લાભો મેળવ્યા છે. નેતાઓએ આ રીતે વેચાઈ જવું એ ગુજરાતની જનતા સાથેનો વિશ્વાસઘાત જ છે.
હાર્દિકને નાની વયે ઘણું આપ્યુંઃ કોંગ્રેસ
બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને નાની વયે કોંગ્રેસે ઘણું આપ્યું છે. પ્રદેશ કાર્યકારી પ્રમુખનો હોદ્દો જ નહીં, સ્ટાર ચૂંટણી પ્રચારક ઉપરાંત અન્ય રાજ્યોમાં સંગઠન-ચૂંટણીલક્ષી જવાબદારી અપાઈ હતી. વિધાનસભાથી માંડીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકીટની વહેંચણીમાં ય તેમનો મત લેવાતો હતો. આમ છતાંયે તેઓ કામને લઈને વિવાદ ઊભો કરી રહ્યા હતા.
હાર્દિક પટેલ ટ્વિટ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની જાણ કરી હતી. તેમણે કોંગ્રેસના બધાય હોદ્દા પર રાજીનામું આપીને સોનિયા ગાંધીને પત્ર મોકલી આપ્યો હતો. જોકે, રાજસ્થાનમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં આમંત્રણ હોવા છતાંય હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. જેની હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી હતી.
હાર્દિકના વાણીવિલાસથી રાહુલ ગાંધી નારાજ રહ્યા હતાં. દાહોદમાં ય રાહુલ ગાંધીએ મેવાણી વિશે ચર્ચા કરી પણ હાર્દિક વિશે એક હરફ ઉચ્ચાર્યો નહીં. હાર્દિક પટેલે પ્રદેશ નેતાઓ વિશે હાઈકમાન્ડને રજૂઆત કરવા મન બનાવ્યું પણ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને સમય જ ફાળવ્યો નહોતો.
પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્માએ એવી પ્રતિક્રિયા આપી કે, કોઈ એક વ્યક્તિના જવાથી ફરક પડતો નથી. કોંગ્રેસ એક વ્યક્તિ આધારે નહીં પણ વિચારધારા આધારે ચાલનારો પક્ષ છે. નોંધનીય છે કે દિલ્હીમાં હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે બેઠક યોજીને ગોઠવણ પાડી હોવાની જાણ છતાં કોંગ્રેસે તેને મનાવવાનો કોઈ પ્રયાસ જ કર્યો ન હતો. હવે ટૂંક સમયમાં હાર્દિક પટેલે કેસરિયો ધારણ કરે તેવી સંભાવના છે.