હિંમતનગરઃ સુથારીકામ કરીને જીવતા દેવેન્દ્ર સુથાર જન્મથી જ પોલિડેક્ટિલી નામના રોગથી પીડાય છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ ઓપરેશન કરાવી શક્યા નહોતા, પણ હવે આ રોગથી તેમને કોઈ સમસ્યા નથી. દેવેન્દ્રનું કહેવું છે કે તેને મુશ્કેલી તો ઘણી પડે છે, પણ તે નિરાશ નથી થતા. જન્મથી જ દેવેન્દ્ર સુથારના હાથ અને પગમાં સાત સાત આંગળીઓ છે. આ માટે તેમનું નામ ગિનિઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે. વિશ્વમાં તે એકમાત્ર આવી વ્યક્તિ છે જેને આટલી બધી આંગળીઓ છે. તેથી, તે 'મેક્સિમમ ફિંગર મેન' તરીકે ઓળખાય છે. દેવેન્દ્રને કુલ ૨૮ આંગળીઓ છે અને તેનું કારણ પોલિડેક્ટિલી નામનો રોગ છે. આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે ગર્ભાવસ્થાના ૭મા અથવા ૮મા અઠવાડિયે ભ્રૂણને ગર્ભમાં વધુ આંગળીઓ વિકસિત થઈ જાય છે. આંકડા મુજબ, વિશ્વભરમાં ૭૦૦થી ૧૦૦૦ બાળકોએ એક આવો કેસ જોવા મળે છે. જોકે, ગર્ભાવસ્થામાં અલ્ટ્રાસાઉન્ડ દ્વારા આ જનનીક ખામીની જાણ થઈ શકે છે. બોસ્ટન ચિલ્ડ્રન હોસ્પિટલ મુજબ, વિકસિત દેશોમાં આવા કિસ્સા સામે આવે તો બાળક જ્યારે બે વર્ષનું થાય ત્યારે તેની વધારાની આંગળીઓ સર્જરીથી દૂર કરાય છે.
યોગ્ય સાઇઝના ચંપલની તકલીફ
દેવેન્દ્ર સુથાર આ રોગથી ક્યારેય હતાશ ન થયા. તેમને બે બાળકો છે અને વ્યવસાયે તે સુથાર છે. દેવેન્દ્રના જણાવ્યા મુજબ, તેને સૌથી વધુ સંઘર્ષ પોતાના પગના માપના ચંપલ શોધવામાં પડે છે.
ભારતના અક્ષતના નામે હતો વર્લ્ડ રેકોર્ડ
આવો જ એક કિસ્સો ભારતમાં રહેતા અક્ષતમાં જોવા મળ્યો હતો. જેના હાથ અને પગમાં સાત સાત આંગળીઓ હતી અને વર્ષ ૨૦૧૦માં તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું, પરંતુ પછીથી સર્જરી કરાવીને તેની આંગળીઓની સંખ્યા સામાન્ય કરી દેવાઈ હતી. તેથી, અત્યારે આ રેકોર્ડ દેવેન્દ્રના નામે છે.
સર્જરી ન કરાવી શકાઈ
દેવેન્દ્રના પરિવારમાં અન્ય સભ્યોની આંગળીઓ સામાન્ય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યા બાદ દેવેન્દ્રએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે, પરંતુ તેને આર્થિક રૂપે કોઈ મદદ ન મળી એટલે જ તે સર્જરી કરાવીને વધારાની આંગળીઓ દૂર ન કરાવી શક્યા. હવે પરિણામ એ આવ્યું છે કે ઉંમરની સાથે દેવેન્દ્રની આંગળીઓ કડક થતી જઈ રહી છે. રોજિંદા કાર્યો કરવામાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આંગળીઓ કપાઈ જવાનો ભય
દેવેન્દ્રનું કહેવું છે કે તે હંમેશાં હકારાત્મક વિચારો રાખે છે, પરંતુ તેણે કામ કરતી વખતે બહુ કાળજી રાખવી પડે છે. સુથાર હોવાના કારણે તેને આંગળીઓ કપાઈ જવાનો ભય સતત રહે છે.