સુરત: દર વર્ષે ચાઈના કે હોંગકોંગમાં તૈયાર થતો મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન આ વર્ષે પહેલી વખત સુરતમાં બન્યો છે. હીરાનગરની જાણીતી ડાયમંડ જ્વેલરી કંપનીને આ ક્રાઉન બનાવવાનો ઓર્ડર મળ્યો હતો, અને કંપનીએ હીરા અને એમરેલ્ડ જડેલો આ સુવર્ણ ક્રાઉન બનાવીને અમેરિકા પહોંચાડી પણ દીધો છે.
આગામી થોડાક મહિનાઓમાં યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા બ્યુટી કોન્ટેસ્ટના આયોજકોએ ક્રાઉન બનાવવા માટે આ વખતે સુરતની જેમ્સ એન્ડ જ્વેલરી કંપની ગુરુકૃપા એક્સપોર્ટ પર પસંદગી ઉતારી હતી. પસંદગીના વિવિધ માપદંડમાં ખરી ઉતરેલી કંપનીને ઓર્ડર મળતાં જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી. કંપનીના ૧૦ કર્મચારીઓએ ૨૫ દિવસની એકધારી મહેનતને અંતે ૬૫૦ કેરેટના ૩૨૮ હીરા, ૧૫૦ પીસ એમરેલ્ડ અને ૬૫૦ ગ્રામ સોનાથી બનેલો મનમોહક તાજ તૈયાર કરી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતની આ જ કંપની દ્વારા મિસ વર્લ્ડ અમેરિકાની જેમ જ મિસ ટીન અમેરિકા માટેનો ક્રાઉન પણ તૈયાર કરાયો છે. આ તાજ પણ વીતેલા સપ્તાહે આયોજકોને એક્સપોર્ટ કરી દેવાયો છે. આ બન્ને તાજનું કુલ મૂલ્ય કરોડો રૂપિયામાં અંકાય છે.
કઇ રીતે તૈયાર થયો ક્રાઉન?
સૌપ્રથમ આ ક્રાઉનની ડિઝાઇન પેપર પર તૈયાર કરવામાં આવી હતી અને તેના આધારે એક મોડેલ બનાવાયું હતું. જેના આધારે વેક્સનું મોડેલ તૈયાર કર્યા બાદ તેના પરથી સોનાનો આખો ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડાયમંડ અને એમરેલ્ડનું સેટિંગ્સ કરવામાં આવ્યું હતું અને છેલ્લે તેને ફિનિશિંગ ટચ આપીને પોલિશિંગ કરવામાં આવ્યું છે. આ તાજને બનાવવામાં જ ૨૫ દિવસ અને ૧૦ કર્મચારીઓની ટીમ જોતરાઇ હતી. આ ક્રાઉનની ચમક લાંબો સમય રહે તે માટે જ્વેલરી પર જવલ્લે જ કરવામાં આવતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે.
ટ્રેડવોરનો ફાયદો ગુજરાતને
આમ તો આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બ્યુટી કોન્ટેસ્ટનો તાજ અત્યાર સુધી ચીન કે હોંગકોંગમાં બનતો રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બે શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન વચ્ચે ભારે તણાવ પ્રવર્તે છે. આથી આયોજકોએ આ વર્ષે ક્રાઉન બનાવવા માટે અન્ય દેશ ભણી નજર દોડાવી હતી અને આખરી પસંદગી સુરતની કરાઇ હતી. આમ ટ્રેડવોર અમેરિકા અને ચીનના વેપાર-ઉદ્યોગ માટે ભલે એક યા બીજી રીતે નુકસાનકારક સાબિત થઇ હોય, સુરતને આ ટ્રેડવોર ફળી છે એમ કહી શકાય. આ ઓર્ડરથી હીરાનગરી સુરતની કલાકારીગરીને આંતરરાષ્ટ્રીય મંચ મળ્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.