મહેસાણાઃ બરાબર ૧૨ વર્ષ પહેલાં ગુરુદેવનો આદેશ થયા બાદ ૧૨ વર્ષ ૯ મહિના ૨૧ દિવસ સતત ઊભા રહીને તપશ્ચર્યા કરનાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવરુ ગામના ખડેશ્વરી બાપુએ તાજેતરમાં અંતરાત્માના અવાજથી હઠયોગની તપશ્ચર્યા પૂરી કરી અસંખ્ય ભાવિકોની ઉપસ્થિતિમાં આસન ગ્રહણ કર્યું હતું. ખડેશ્વરી બાપુએ આસન ગ્રહણ કર્યું ત્યારે ઉપસ્થિત ભાવિકોએ બાપુ પર ફૂલોની વર્ષા કરીને તેમને વધાવી લીધા હતા.
ખડેશ્વરી બાપુના ગુરુ ગૌતમગિરિજી મહારાજે ૧૨ વર્ષ તપ કરવાનો આદેશ કરતાં બાપુએ ગુરુની આજ્ઞાનું પાલન કરીને આકરી તપશ્ચર્યા કરી હતી. તપસ્વી ખડેશ્વરી બાપુએ કહ્યું હતું કે, મારે દુનિયાને ખુશી આપવી હતી એ માટે ૧૧ મહિના સુધી ઊભા રહીને તપશ્ચર્યા કરવાનો હતો, પરંતુ ગુરુજી ગૌતમગિરિજી મહારાજે કહ્યું કે ૧૨ વર્ષ સુધી તપ કરો એટલે ગુરુની આજ્ઞા માથે ચડાવીને તપ કર્યું. ૧૨ વર્ષના તપ દરમ્યાનની એક-એક ઘડી મને યાદ છે. ૧૨ વર્ષ પૂરાં થતાં ભાવિકો કહેતા હતા કે બાપુ ગુરુજીનો આદેશ પૂરો થયો છે હવે બેસી જાઓ, પણ હું બેઠો નહોતો. જોકે અંદરથી અંતરનો અવાજ આવતાં અને યોગ બનતાં મેં ૧૨ વર્ષ ૯ મહિના ૨૧ દિવસ સતત ઊભા રહીને તપ કર્યા બાદ આસન ગ્રહણ કર્યું છે.
બાપુએ આર્શીવચન આપતાં કહ્યું કે, જગતનું કલ્યાણ થાય, ગૌમાતા અને નારીની રક્ષા થાય, જગત હરિયાળું બને. સર્વે સુખી રહો, ધર્મની રક્ષા કરો અને સેવા કરો.
ખડેશ્વરી બાપુએ આસન ગ્રહણ કરવાનો નિર્ણય કરતાં બાવરુ ગામે આવેલા તેમના આશ્રમમાં તપશ્ચર્યાની પૂર્ણાહુતિનો મહોત્સવ ઊજવાયો હતો. ભાગવત સપ્તાહ, વિષ્ણુ મહાયજ્ઞ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો.