૨૦૦૨નાં કોમી તોફાનોમાં નરેન્દ્ર મોદી અને સરકારને ક્લીનચીટ

Tuesday 17th December 2019 07:23 EST
 
 

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં ગોધરા ટ્રેનકાંડની ગોઝારી ઘટના બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ કોમી તોફાનોની તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશનનો રિપોર્ટ (ભાગ-૨) ગુજરાત વિધાનસભામાં રજૂ થયો છે, જેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને ક્લીન ચીટ અપાઇ છે. ગૃહમાં રજૂ થયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા કોમી તોફાનો પૂર્વ આયોજિત કાવતરું નહોતું. એટલું જ નહીં, તોફાનોમાં કોઈ રાજકીય નેતાઓ કે પોલીસ અધિકારીઓની સંડોવણી જણાઇ નથી એટલે કે તે રાજકીયઇરાદા પ્રેરિત રમખાણો નહોતા. સાથોસાથ રિપોર્ટમાં એવી પણ નોંધ છે કે ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તત્કાલીન આઈપીએસ અધિકારી આર. બી. શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક છે. ઉલ્લેખનીય છે કે આ તપાસ પંચ સમક્ષ નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું હતું.
ગુજરાતના કોમી તોફાનોની તપાસ મામલે પૂર્વ જસ્ટિસ જી. ટી. નાણાવટી અને પૂર્વ જસ્ટિસ અક્ષય એચ. મહેતાનો આ રિપોર્ટ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ૧૧ ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ કર્યો હતો. રિપોર્ટમાં સમગ્ર બનાવને ષડ્યંત્ર ન ગણીને ક્લીનચિટ આપવામાં આવી છે. તપાસ પંચના રિપોર્ટમાં અપાયેલા નિષ્કર્ષ - તારણોમાં જણાવાયું છે કે, તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તોફાનોમાં કોઈ સંડોવણી જણાતી નથી. આ સિવાય અન્ય રાજકારણીઓ - પ્રધાનો પૂર્વ ગૃહપ્રધાન સ્વ. હરેન પંડયા, પૂર્વ પ્રધાન ભરત બારોટ, પૂર્વ પ્રધાન સ્વ. અશોક ભટ્ટને પણ ક્લિનચીટ અપાઇ છે.
રિપોર્ટમાં ઉલ્લેખ છે કે કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અહેસાન જાફરી કેસમાં ગુજરાત પોલીસે પૂરતી સુરક્ષા પૂરી પાડી હતી, રાજ્ય સરકારનું કોઈ પગલું પૂર્વગ્રહયુક્ત ન હતું. હરેન પંડયા સામે આક્ષેપ હતો કે, મુસ્લિમોના મકાનો ઉપર હુમલો કરવા માટે ટોળાંની ઉશ્કેરણી કરી હતી, આ આક્ષેપ એફઆઈઆર - સ્ટેટમેન્ટ આપ્યા બાદ બે મહિના પછી કરાયા હતા. આ આક્ષેપ આધારભૂત માહિતી - વિગતો વગરનો હોવાથી તપાસ પંચે સ્વીકાર્યો નથી. તોફાનો મામલે તે સમયે આક્ષેપ કરાયા હતા કે, સરકારના કેટલાક પ્રધાનો જવાબદાર છે. જોકે, કમિશને આ આક્ષેપ માન્યો નથી.
તોફાનો બાદ એક આક્ષેપ એવો પણ થયો હતો કે, તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ કોઈ પણ અધિકારીને જાણ કર્યા વિના ગાંધીનગર છોડીને રહસ્યમય રીતે ગોધરા ગયા હતા. જોકે, કમિશનની તપાસમાં આ આક્ષેપો પાયાવગરના જણાયા છે, ગોધરા જવાની બાબત ખાનગી નહોતી. આ ઉપરાંત, તત્કાલીન મુખ્ય પ્રધાને બળેલા એસ-૬ ડબામાં પ્રવેશ કર્યો એનો હેતુ પુરાવા નાશ કરવાનો ન હતો, પણ ઘટના કેવી રીતે બની તે જાણવાનો હોવાનું પણ પંચે ઠેરવ્યું છે.
અશોક ભટ્ટે મુખ્ય પ્રધાન કાર્યાલય સાથે પરામર્શ કરીને ગોધરામાં માર્યા ગયેલા ૫૮ વ્યક્તિઓનું રેલવે યાર્ડમાં બિનઅનુભવી ડોક્ટરોના હાથે પોસ્ટમોર્ટમ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ થયો હતો. જોકે, આ નિર્ણય અશોક ભટ્ટનો ન હતો, સ્થાનિક અધિકારીઓએ આ નિર્ણય કર્યો હતો. તોફાનો વખતે પોલીસ અધિકારીઓની બદલીને નિયમિત પ્રક્રિયા ગણાવાઇ છે. જોકે તપાસ પંચે રાજ્યના પોલીસ ફોર્સમાં અપૂરતી સંખ્યા હોવાનું જણાવ્યું છે તો સાથોસાથ અનેક ઠેકાણે પોલીસોની અણઆવડતને જવાબદાર ઠેરવી રમખાણો રોકવામાં પોલીસ ઊણી ઊતરી હોવાનું પણ નોંધ્યું છે.
પૂર્વ પ્રધાન ભરત બારોટે ૧૫મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ દિલ્હી દરવાજા ખાતે ટોળાંની ઉશ્કેરણી કરી હતી તેવો પણ એક આક્ષેપ થયો હતો. જોકે, આ નિવેદન કમિશનરે જણાવ્યું નથી જેના કારણે બારોટ સામે પગલાં ભરવાના રહેતાં નથી તેવું પણ કમિશને કહ્યું છે. ઉત્તર પ્રદેશના પોલીસના માણસોએ કોચને સળગતા જોયા તે અંગેની પ્રત્યક્ષ સાક્ષીઓની વિગતો ખોટી છે. સાહિત્ય રજૂ કરવા અંગે આર. બી. શ્રીકુમારનો હેતુ શંકાસ્પદ છે.

તપાસ પંચ શા માટે રચાયું?

ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એકસપ્રેસનો એક કોચ સળગાવાયો હતો, જેમાં ૫૮ વ્યક્તિઓ ભડથું થઇ ગઇ હતી. આ પછી ગુજરાતભરમાં રમખાણો ફાટી નીકળતા વિરોધ પક્ષોએ તત્કાલીન ભાજપ સરકારની કામગીરી પર ટીકાની ઝડી વરસાવીને આ તોફાનોમાં તેમની પણ સંડોવણી હોવાના અનેક આક્ષેપો કર્યા હતા. આ પછી આક્ષેપોની તપાસ માટે ૬ માર્ચ ૨૦૦૨ના રોજ નાણાવટી કમિશનની રચના કરવામાં આવી હતી.

૨૦૦૯ અને ૨૦૧૯

જસ્ટિસ નાણાવટી પંચે ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ તપાસ પંચનો અહેવાલ ભાગ-૧ રજૂ કર્યો હતો, જેને ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં તારણ અપાયું હતું કે, ગોધરાકાંડ એ પૂર્વયોજિત કાવતરું હતું. જ્યારે ૧૧ ડિસેમ્બરે વિધાનસભામાં પંચના અહેવાલનો અંતિમ એટલે કે ભાગ-૨ વિધાનસભા ગૃહમાં રજૂ થયો હતો, જેમાં ગુજરાતના કોમી તોફાનો પૂર્વયોજિત ન હોવાનું તારણ અપાયું છે.

૨૫૦૦ પાન, ૪૪ હજારથી વધુ સોગંદનામા

આ અહેવાલ રજૂ થયા બાદ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, કુલ ૯ ભાગમાં ૨,૫૦૦થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરાયો છે. કમિશનને ૪૪,૪૪૫ સોગંદનામા મળ્યાં હતાં, જેમાં ૧૮ હજાર રાહત-પુનઃવસનના હતા. જ્યારે ૪૮૮ સરકારી અધિકારી, કર્મચારીઓ અને પોલીસ વિભાગના હતા.

ત્રણ આઇપીએસની ભૂમિકા શંકાસ્પદ

કમિશને ત્રણ પૂર્વ આઇપીએસ અધિકારીઓ આર. બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની આ મામલે ભૂમિકાને શંકાસ્પદ ઠેરવી હતી. આ ત્રણેયે જે આક્ષેપો કરેલા તે પાયાવિહોણા સાબિત થયા હોવાથી તેમનો ઇરાદો તત્કાલીન સરકારની છબિ ખરડવાનો હોવાનો પણ પંચે અહેવાલમાં નોંધ્યું છે.

પુરાવાનો ફેક્સ બનાવટી : કમિશન

આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પુરાવા રૂપે નાણાવટી કમિશન સમક્ષ એક ફેક્સ રજૂ કર્યો હતો. આ ફેક્સ બનાવટી હોવાનું પંચે નોંધ્યું છે. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ની રાત્રે વહીવટી અને પોલીસ તંત્ર સાથે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં પોતે હાજર હતા અને મુખ્ય પ્રધાને વિવાદાસ્પદ સૂચના આપી હોવાનો સંજીવ ભટ્ટે આક્ષેપ કર્યો હતો. જોકે તપાસ પંચના તારણ મુજબ સંજીવ ભટ્ટે રજૂ કરેલા પુરાવા બાદ તેઓ આ બેઠકમાં પોતાની હાજરી પુરવાર કરી શક્યા નથી. ભટ્ટે પુરાવા તરીકે રજૂ કરેલો ફેક્સ બનાવટી હોવાની સાથે મુખ્ય પ્રધાને આવી કોઈ સુચના ન આપી હોવાનું પંચે નોંધ્યું છે.

સ્વ. અમરસિંહના આક્ષેપને ફગાવ્યા

તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સ્વ. અમરસિંહ ચૌધરીએ સોગંદનામું રજૂ કરીને આક્ષેપ કર્યા હતા કે, ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હુમલા વખતે અહેસાન જાફરીએ રક્ષણ માટે વિનંતી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. જોકે આ મુદ્દે કોઈ પુરાવો કે નિવેદન અપાયા ન હતા. ચૌધરીના આ આક્ષેપોને કમિશને ફગાવ્યા છે.

બંધને સરકારનું સમર્થન નહોતું

વિશ્વ હિન્દુ પરિષદે ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું, આ બંધને ભાજપે સમર્થન આપ્યું હતું અને લઘુમતીઓ સામે હિંસા ભડકે તેવો નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ આક્ષેપને પણ કમિશને ગ્રાહ્ય રાખ્યો નથી, કારણ કે સૂચિત બંધ ભાજપ દ્વારા અપાયો હોવાની જાણ મુખ્ય પ્રધાન અને પ્રધાનોને પાછળથી થઈ હતી. સરકાર, મુખ્ય પ્રધાન કે પ્રધાનોએ બંધને સમર્થન આપ્યું ન હતું. ટોળાંએ બસો ઉપર હુમલા કર્યા હતા, જે દર્શાવે છે કે, સરકારે બંધને સમર્થન કર્યું ન હતું. આમ સરકારી પગલાંથી સ્પષ્ટ થાય છે કે, આક્ષેપો ખોટા છે.

નરોડા પાટિયા-ગામ કેસ મુદ્દે તારણ નહીં

આ રિપોર્ટમાં નરોડા પાટિયા - નરોડા ગામ કેસ મુદ્દે કોઇ રેફરન્સ નથી. નરોડા પાટિયા કેસનો ચુકાદો આવી ગયો છે, ટ્રાયલ અને હાઇ કોર્ટ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે, આરોપીઓએ સુપ્રીમમાં અપીલ કરી છે જેથી આરોપીઓ સામે કોઈ પ્રકારનું તારણ કમિશને નોંધ્યું નથી. જ્યારે નરોડા ગામનો બનાવ કોર્ટની ચકાસણી હેઠળ હોવાથી આગેવાનોની સંડોવણી સંદર્ભે કોઇ અભિપ્રાય આપ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter