અંબાજીઃ યાત્રાધામ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીએ સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા મહારાણા પ્રતાપ જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે ૧૦૦૮ સમૃદ્ધ વિવાહનું આયોજન કરાયું હતું. મહોત્સવમાં ૩૫ વર્ષની ઉંમરથી લઈને ૧૦૦ વર્ષથી ઉપરના ૭૩૫ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં ૧૦ યુગલો એવા હતા કે જેમની પાંચ પેઢીના ૧૦૦-૧૦૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈ પૌત્ર સામે પોતાના દાદા તેમજ પિતાના લગ્ન જોઈ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.
રાજસ્થાન અને ગુજરાતમાંથી અંબાજી, દાંતા, અમીરગઢ, આબુરોડ, પોશીના, પિંડવાડા સહિતના વિસ્તારમાં વસતા ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજના આ લગ્નોત્સવમાં ૭૩૫ યુગલોની એક ભવ્ય શોભાયાત્રા અંબાજીમાં નીકળી હતી. તેમાં રાજવીઓ પણ જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ડુંગરી, ગરાસિયા સમાજના ૪૦ હજાર કરતા વધુ લોકો તેમજ જાંબુડી, પાટગામ પટેલ, જોગાજી પરમાર, મગનજી રાવતાજી, ગમાજી, તારકેન્દ્રજી સહિતના સમાજના લોકો ૭૩૫ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક વિધિમાં કનુભાઈ ચૌધરી (પ્રમુખ ગ્રુપ, ગાંધીનગર) ભોજનદાતા બન્યા હતા તેમજ સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સમૂહલગ્ન વિધિવત મંત્રોચ્ચાર સાથે કરાયા હતા. જેમાં મુક્તાનંદજી મહારાજ, વાવ રાણા ગાજેન્દ્રસિંહજી તેમજ પરેશભાઈ વ્યાસે મનનીય પ્રવચન આપ્યા હતા. આ વર્ષે સૌ પ્રથમવાર ૧૦૦૮ સમૃદ્ધ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં ૧૧, વર્ષ ૨૦૧૭માં ૭૧, વર્ષ ૨૦૧૮માં ૧૦૮, ૨૦૧૯માં ૨૧ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.
૧૦૯ વર્ષનાં દુલ્હા-દુલ્હન
આ સમૂહ લગ્નોત્સવમાં સૌપ્રથમવાર ૭૩૫ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં કેટલાક યુગલો એવા પણ હતા કે જમાઈ અને સસરા બંને સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તો ૧૦૯ વર્ષના દુલ્હા-દુલ્હન જોવા મળ્યા હતા. આ સમૂહલગ્નમાં શ્રીમાન ગજેન્દ્રસિંહજી (વાવ સ્ટેટ), હરેન્દ્ર પાલજી (પોશીના સ્ટેટ), દિલીપસિંહજી વાઘેલા (દિયોદર સ્ટેટ) સહિતના મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા.