નવી દિલ્હી : દેશનાં ઇતિહાસમાં પહેલી વખત ૬ રાજ્યોમાંથી ૮ ટ્રેનને એક જ સ્થળે રવાના કરતી સીમાચિહનરૂપી ઘટના રવિવારે કેવડિયામાં બની છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું બહુમાન ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી આ ટ્રેનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી લીલી ઝંડી આપી. આ સાથે જ કેવડિયાના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. વડા પ્રધાનના શબ્દોમાં કહીએ તો કેવડિયા હવે ‘કમ્પ્લિટ ફેમિલી પેકેજ’ના રૂપમાં સેવા આપશે.
વડા પ્રધાને અમદાવાદ અને વડોદરા ઉપરાંત પાટનગર દિલ્હી, ચેન્નઇ (કેરળ), મુંબઇના દાદર (મહારાષ્ટ્ર), રીવા (મધ્ય પ્રદેશ) અને વારાણસી (ઉત્તર પ્રદેશ)ને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સીધી જોડતી રેલવે સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
સાથે સાથે જ તેમણે ડભોઈ-ચાણોદ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઈન, ચાણોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઈન, પ્રતાપનગર-કેવડિયા નવા વિદ્યુતિકરણ રેલ ખંડ તેમજ ડભોઈ, ચાણોદ અને કેવડિયા રેલવે સ્ટેશનની નવી ઈમારતોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
આ ઐતિહાસિક ક્ષણે તેમણે જણાવ્યું કે, આજે એક ભારતમાં શ્રેષ્ઠ ભારતની નવી સુંદર તસવીર દેખાઈ રહી છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પહેલી ઘટના હશે કે એક સાથે દેશનાં વિવિધ પ્રદેશોમાંથી ૮ ટ્રેનોને એક સ્થળ માટે રવાના કરવા લીલી ઝંડી આપવામાં આવી હોય.
અંતરિયાળ કેવડિયા બન્યું આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ
વડા પ્રધાને કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે કેવડિયા દેશમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની મિસાલ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે રેલવે દ્વારા જોડાવાનું આયોજન ભારતને એક કરશે. ભારતીય રેલવેના વિઝન અને સરદાર પટેલના મિશનને સાકાર પણ કરશે. આજથી કેવડિયા વિકાસનો એક નવો અધ્યાય શરૂ થયો છે. કેવડિયા જેવો અંતરિયાળ વિસ્તાર વિશ્વમાં મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે કોરોના મહામારી બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાની કનેક્ટિવિટી જેમ જેમ વધી રહી છે તેમ તેમ પ્રવાસીઓની સંખ્યા પણ વધશે. કેવડિયા હવે કમ્પ્લિટ ફેમિલી પેકેજના રૂપમાં સેવા આપી રહ્યું છે. પહેલાં રેલવેના કામો ફક્ત કાગળ પર થતાં હતાં, હવે ૧૧૦૦ કિલોમીટરની નવી રેલવે લાઈનો બનાવાઈ છે. તે એવા વિસ્તારોને રેલવે સાથે જોડાશે જે પહેલાં ક્યારેય જોડાયેલા નહોતા.
૫૦ લાખ લોકોએ જોયું, હવે રોજ એક લાખ જોઇ શકશે
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે રેલવેના ઈતિહાસમાં સંભવત: પહેલી વાર એવું થઈ રહ્યું છે કે, એક સાથે દેશના જુદા જુદા સ્થળથી આઠ ટ્રેનો શરૂ કરાઈ. કેવડિયા માટે રવાના થયેલી ટ્રેનોમાંથી એક ટ્રેન પુરૈચ્ચી તલૈવર ડો. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી રવાના થઇ છે. એ પણ સુખદ સંયોગ છે કે, આજે ભારતરત્ન એમ.જી. રામચંદ્રનની જયંતી છે. જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને તૈયાર થયું છે, ત્યારથી ત્યાં દુનિયાભરના પ્રવાસીઓ આવવાનું શરૂ થયું છે. આ સ્ટેચ્યુનું ૨૦૧૮માં લોકાર્પણ થયું ત્યારથી અત્યાર સુધી ૫૦ લાખ લોકો તેને જોઈ ચૂક્યા છે. એક સર્વેક્ષણ પ્રમાણે, હવે ટ્રેન સંપર્ક વધવાથી રોજના એક લાખ લોકો કેવડિયા ફરવા આવી શકશે. કેવડિયા જગ્યા પણ એવી જ છે ને! આ સ્થળ દેશને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો મંત્ર આપનારા સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાથી ઓળખાય છે.
આ યોજનાથી નજીકના જનજાતિ વિસ્તારોમાં વિકાસ કાર્યોને પણ વધુ વેગ મળશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસને વેગ મળશે અને આ સ્થળ વિકાસ માટે મહત્ત્વનું સાબિત થશે.
કઈ કઈ ટ્રેનોનો પ્રારંભ કરાયો?
કેવડિયાને બ્રોડગેજ રેલમાર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્ક સાથે જોડવાની સાથે જ વારાણસી જંક્શન-કેવડિયા એક્સપ્રેસ, દાદર-કેવડિયા એક્સપ્રેસ, અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ, હઝરત નિજામુદીન-કેવડિયા એક્સપ્રેસ, રીવા-કેવડિયા એક્સપ્રેસ, ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ, પ્રતાપનગર-કેવડિયા મેમુ તથા કેવડિયા-પ્રતાપનગર મેમુ એમ કુલ ૮ ટ્રેન રવિવારથી શરૂ કરાઈ હતી.
૫ મુખ્ય પ્રધાન ઐતિહાસિક ઘડીના સાક્ષી
કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (દિલ્હી), મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ) અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર) પણ વડા પ્રધાન મોદી સાથે ટ્રેનને લીલીઝંડી ફરકાવી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેવડિયા પહોંચ્યા હતા.
ગ્રીન બિલ્ડીંગ પ્રમાણપત્રઃ દેશનું પહેલું રેલવે સ્ટેશન
• કેવડિયા ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે, જેને ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મળ્યું છે.
• અત્યાધુનિક રેલવે સ્ટેશન પર એક્ઝિક્યુટિવ લોન્જ, રિટાયરિંગ રૂમ, એસી વેઈટિંગ રૂમ, પ્રવાસી સ્વાગત કક્ષ સહિત દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે રેમ્પની સુવિધા ઊભી કરાઇ છે. • રેલવે સ્ટેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૧૨ ફૂટ ઊંચી રેપ્લિકા મૂકવામાં આવી છે.