બાલિસણાઃ સમાજમાં ઘટતી જતી કન્યાઓની સંખ્યા અને બેરોજગારીને ધ્યાને લઇ રવિવારે પાટણના કલ્યાણામાં યોજાયેલા સમસ્ત ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજના પ્રથમ સ્નેહ મિલન સમારંભમાં ઉત્તર ગુજરાતના તમામ ૭ ગોળ એકમંચ પર આવ્યા હતા અને એકબીજા ગોળમાં દીકરીઓ આપવા - લેવા નિર્ણય કરાયો હતો. આ માટે સંયુકત સમૂહલગ્નનું આયોજન કરવા પણ સૂચન કરાયું હતું. સંમેલનમાં ઉત્તર ગુજરાતના ૧૧૧ ગામોમાં વસતા સમાજોના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.
મુખ્ય સંગઠક કિરીટભાઇ એમ. પટેલે જણાવ્યું કે, સાતેય સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. કન્યાઓ બહારથી લાવવી પડે તેવી સ્થિતિ છે. સમાજના યુવકોની બેરોજગારી વધી રહી છે ત્યારે અલગ અલગ વહેંચાયેલા લેઉવા પાટીદારો એક બને તેવા હેતુથી એક મહિનાથી પ્રયાસો હાથ ધર્યા હતા અને તમામ ૧૧૧ ગામોમાં જઇ બેઠકો કરી હતી. જેમાં તમામ સ્થળેથી સંમતિ મળતાં આ સંમેલન થયું છે.
મહત્ત્વના મુદ્દા અંગે સૌની અનુમતિ
• હવેથી સાતેય ગોળ સમાજોમાં દીકરીઓ આપવી અને લેવી • દીકરીઓ લેઉવા પાટીદાર સમાજમાં જ આપવી, બહાર ન આપવી • સાતેય સમાજના નાના મોટા ઉદ્યોગપતિઓએ એકબીજા ગોળના બેરોજગાર યુવાનોને રોજગારી આપવી • અલગ અલગ સ્થળે પસંદગી મેળા કરવા જેનો ખર્ચ સાતેય સમાજનો મઝિયારો રહેશે • સાતેય સમાજનું સંયુકત સંગઠન કરવું
કયા ગોળમાં કયા વિસ્તારો?
• ૪૨ ગામ: ઉ.ગુ.માં પાટણવાડા અને ચુંવાળમાં આવે છે • ૨૭ ગામ: હારિજ- સમી, અડિયા સહિતના ગામો • ૧૬ ગામ: ગઢ-મડાણા આસપાસના ગામો • ૯ ગામ: વિજાપુર આસપાસના ગામો • ૫ ગામ: બાલિસણા, મણુંદ, વાલમ, ભાન્ડુ, સંડેર, રણુજ • ૪ ગામ: કડા, ખરોડ આસપાસના ગામો, પાટણવાડિયા: પાટણ શહેર, અનાવાડા અને રાજપુર