લંડનઃ લોકો ભલે એમ કહેતા હોય કે દાળભાતિયા ગુજરાતી લોકો વેપાર જ કરી જાણે પરંતુ, સમાજમાં આવી પ્રચલિત ગેરમાન્યતાને ખોટી ઠરાવનારા વીરલા પણ ઓછા નથી. યુકેનો ગુજરાતી સમુદાય ૭૬ વર્ષીય દાદા છગનલાલ જગતિયાની વીરતાની વાતો કરતા થાકતો નથી.
સરેના એગહામના નિવાસી અને પરિવાર સાથે ગ્રીસની મુલાકાતે ગયેલા દાદાજી છગનલાલે તાજેતરમાં જ ગ્રીસમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાંથી ૯૫ વર્ષના દિવ્યાંગ સંબંધીને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતાં પણ ખચકાયા નહોતા. ગ્રીસમાં સોમવાર, ૨૩ જુલાઈના રોજ બનેલી આગની આ વિનાશક ઘટનામાં ૮૫ માનવજિંદગી હોમાઇ ગઇ છે અને ૧૦૦ લોકો લાપતા છે. આ ઉપરાંત સેંકડો લોકો ઘરબારવિહોણા બની ગયા છે.
એથેન્સમાં હોસ્પિટલની પથારીમાંથી ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ સાથે ખાસ વાત કરતા દાદાજીએ જણાવ્યું હતું કે, ‘મારી પુત્રવધૂ મારિયા ગ્રીક છે. હું અને મારા પત્ની, મારિયા અને તેનાં નાનીમા તેમજ મારી દોઢ વર્ષની પૌત્રી સાથેનો અમારો પરિવાર સમુદ્રથી એક માઈલના અંતરે આવેલી માયટ્રો હોટેલમાં રોકાયો હતો. સાંજના પાંચેક વાગ્યાના સુમારે આગની લપટો નજીક આવતી દેખાઈ હતી. અમે દૂરથી પણ જોઈ શકતા હતાં કે આગની પ્રચંડ જ્વાળાઓએ તમામ મકાનને ભરડો લઇને તબાહ કરી નાખ્યા હતા.’
‘મારા પુત્રવધૂનાં નાનીમા સ્મારાગ્પી કાન્ડાલેપા દિવ્યાંગ (શારીરિક અક્ષમ) છે. હું આપણા સમુદાયમાં ફાયર સેફ્ટીના નિઃશુલ્ક પાઠ ભણાવું છું તેમજ મારી પાસે આ માટેનું સર્ટિફિકેટ પણ છે. મને ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. આથી, હું તરત જ ત્યાં દોડી ગયો હતો અને હોટેલમાં રોકાયેલા લોકોને તેમના પાસપોર્ટ્સ સાથે તત્કાળ હોટેલ છોડી જવા જણાવ્યું હતું. મેં તપાસ્યું તો હોટેલ રૂમની દિવાલો, બારણા અને ફ્લોર એકદમ ગરમ હતાં. મેં મારા પરિવારજનોને પણ કારમાં બેસાડી દીધા હતા અને તેમને પણ સુરક્ષિત સ્થળે રવાના થઇ જવા કહ્યું હતું.’
છગનદાદા વાતનો તંતુ સાધતા કહે છે કે ‘આ પછી, હું ૯૫ વર્ષનાં મિસિસ કાન્ડાલેપાને બચાવવા પાછો દોડી ગયો. તેઓ દિવ્યાંગ હોવાથી પરિવાર તેમને વ્હીલચેરમાં રૂમમાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરતો હતો, પરંતુ પગથિયાની સમસ્યા હતી. હોટેલમાં ધૂમાડો પ્રસરી રહ્યો હતો અને મારા કરતાં પણ યાયા (ગ્રીસમાં દાદીમાને યાયા તરીકે ઓળખાવાય છે) વધુ દાઝ્યા હતાં’
‘મેં તરત જ તેમને પીવા માટે ઠંડુ પાણી આપ્યું અને તેમનાં બર્ન્સ પર પણ પાણી રેડ્યું. જોકે, તેઓને ઘણી પીડા થતી હોવાથી મને આમ કરવા દીધું નહિ. આથી, મેં તેમને રૂમમાં બેડ પર સુવાડ્યાં અને તેમની આસપાસ ભીનાં ટોવેલ્સ લગાવ્યાં. બિલ્ડિંગમાં ગરમી અને ધૂમાડો ખૂબ વધી ગયા હતા અને શ્વાસ રુંધાતો હતો. મારો ફોન પણ ખોવાઈ ગયો હોવાથી હું દોડીને મારા રૂમમાં ગયો અને મારા પત્નીના ફોનથી મારા પુત્રવધૂને બોલાવી તેમને સખત દાઝી ગયેલાં યાયા માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવા સૂચના આપી.’
છગનદાદા કહે છે, ‘જોકે, અગનજ્વાળાઓ ખૂબ જ ભયંકર હતી અને એમ્બ્યુલન્સ સહિત કશું મળી શકે તેમ ન હતું. બે કલાક પછી, બે વ્યક્તિ અમને લઈ જવા માટે સામાન્ય વાનમાં આવી પહોંચી કારણકે એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હતું. તેઓ અમને માટીમાં આવેલી હોટેલમાંથી ૧.૫ માઈલ દૂર એક સ્થળે લઈ ગયા, જ્યાંથી અમને રાત્રે ૧૦.૪૫ના સુમારે એથેન્સની હોસ્પિટલમાં પહોંચાડાયા હતા.’
‘સલામત સ્થળે પહોંચાડાય તેની રાહ જોતાં મારા પત્ની, પૌત્રી, પૂત્રવધુ અને તેમના માતાએ સમુદ્રમાં ત્રણ કલાક ગાળ્યાં હતાં. તેમની પાછળની બે કાર તો તેમાં બેઠેલા પ્રવાસીઓ સાથે ભસ્મીભૂત થઈ ગઈ હતી.’
છગનલાલ જગતિયા કહે છે કે, ‘હું પરમાત્માનો પાડ માનું છું. તેમના આશીર્વાદથી જ અમે બચી ગયા છીએ. ખરેખર તો અમને કારમાં લઈ જવામાં આવ્યા ત્યારે વરસાદના છાંટણાં થયા હતા. આ તો રામાયણ જેવું જ થયું હતું. જ્યારે હનુમાનજીએ લંકાને આગ લગાવી હતી ત્યારે માત્ર વિભિષણના નિવાસને જ કોઈ હાનિ પહોંચી ન હતી. અમારી પરિસ્થિતિ પણ કંઇક અંશે તેના જેવી જ હતી.’
છગનદાદાને હાથ ને પગના પાછળના ભાગે દાઝી ગયા છે અને એથેન્સની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ હજુ ઘેર પાછા ફરી શક્યા નથી. જોકે, હોસ્પિટલ તેઓને ઈચ્છે ત્યારે રજા આપવા તૈયાર છે. ગ્રીસના પ્રેસિડેન્ટ અને આર્કબિશપે પણ તેમની મુલાકાત લીધી હતી અને તેમની નિસ્વાર્થ સેવા અને અસીમ બહાદુરીને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોરબંદરના વતની
સૌરાષ્ટ્રના પોરબંદરના વતની છગનલાલ જગતિયા ૨૭ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ કેન્યાથી યુકે આવ્યા હતા. આ સમયે તેમની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે ભારતથી કેન્યા ગયા હતા અને કેન્યાના નાઈરોબીના નકુરુસ્થિત મણિબહેન (મંજુલા) સાથે તેમના લગ્ન થયા હતા. સમયાંતરે કેન્યાથી યુકે સ્થળાંતર કર્યું. આ દંપતી ૩૦ વર્ષથી યુકેમાં નિવાસ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે, જેમાંથી સૌથી નાનો પુત્ર જય તેના ગ્રીક પત્ની મારિયા સાથે બિઝનેસની સંભાળ રાખે છે. તેઓ પોતાની અર્ધ-ગ્રીક પૌત્રીઓને ગુજરાતી તેમજ ગ્રીક ભાષા શીખવાડે છે. ગ્રાન્ડપેરન્ટ્સ જગતિયા દંપતી તેમના આ બાળકોના મિશ્ર વારસાનું ગૌરવ ધરાવે છે.
છગનદાદા ઈજામાંથી સાજા થઈ રહ્યા છે ત્યારે મિસિસ કાન્ડાલેપા હાલ કોમામાં છે. જગતિયાના પુત્ર જયે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મારા પિતાએ જે કર્યું તે બહાદુરીનું કાર્ય છે.’ ગ્રીસમાં પર્યટકોમાં લોકપ્રિય તટપ્રદેશના ગામોમાં આગ લાગી હતી, જેમાં ૬૦ ઈજાગ્રસ્તો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ૧૧ તો ઈન્ટેન્સિવ કેરમાં સારવાર લઇ રહ્યા છે.
બીબીસીના જણાવ્યા અનુસાર માટી વિસ્તારમાં શોધખોળ ચલાવી રહેલા બચાવ કાર્યકરોને ગુરુવારે વધુ માનવ અવશેષો હાથ લાગ્યા હતા. ૫૦૦થી વધુ ઘર આગમાં હોમાય ગયા છે અને હજુ તપાસ જારી છે. અતિશય ખરાબ રીતે દાઝી જવાના કારણે મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે.
ગ્રીસના સંરક્ષણ પ્રધાન પાનોસ કામેનોસે બીબીસીને જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામે આગની આ દુર્ઘટનામાં મોટો ભાગ ભજવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નિવાસીઓ દ્વારા જંગલ વિસ્તારોમાં બંધાયેલા મકાનો વાસ્તવમાં અપરાધ છે અને તેનાથી સુરક્ષિત સ્થળે નાસી છૂટવાના માર્ગોમાં અવરોધ સર્જાયા હતા.