અમદાવાદઃ નાસાનું ‘ઈન્સાઈટ’ મિશન ૨૬-૨૭ નવેમ્બરે સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું હતું. સાડા છ મહિના દરમિયાન કરોડો કિલોમીટરની સફર કરીને ઈન્સાઈટ સાથે પૃથ્વી પરના ૨૪,૨૯,૮૦૭ નામ પણ મંગળની ધરા પર પહોંચ્યા છે.
નાસાએ ઈન્સાઈટ મિશન પહેલાં જ દુનિયાભરના મંગળરસીકોને આગ્રહ કર્યો હતો કે તમારે મંગળ પર નામ મોકલવું હોય તો અમારી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવો. એ પછી ૨૪ લાખથી વધુ લોકોએ પોતાના નામ નોંધાવ્યા હતા. આ નામ નોંધાવનારા લોકોએ મંગળ પર જવાનું નથી, પરંતુ નાસાના મિશન સાથે ફીટ થયેલી ચીપમાં તેમના નામ મંગળ પર પહોંચ્યા છે. એટલે એવી વ્યક્તિ હવે એમ કહી શકે કે હું ભલે મંગળ પર નથી પહોંચ્યો, મારું નામ તો ત્યાં છે જ!
અમેરિકામાં નાસા વર્ષોથી આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે, જેથી વિદ્યાર્થીઓનો અવકાશ વિજ્ઞાનમાં રસ વધે. પોતાનું નામ પૃથ્વીથી સાડા પાંચ કરોડ કિ.મી. દૂર મોકલી શકાય એ વાત બહુ રોમાંચક છે. માટે જ તો દુનિયાના લાખો લોકોએ તેમાં ભાગ લીધો હતો. નાસાએ નામો મંગાવ્યા પછી, તપાસ કરી, વેરિફાઈ કરી તેને મંગળ પર મોકલવા માટે સિલેક્ટ કર્યા હતા. રસપ્રદ રીતે આ નામોમાંથી બે ડઝનથી વધારે ગુજરાતી નામ પણ મંગળ પર પહોંચ્યા છે. નાસા ઘણા મિશન માટે આવી સ્પર્ધા યોજે છે અને એમાં કોઈ પણ પણ સામાન્ય વ્યક્તિ પોતાનું નામ નોંધાવી શકે છે. અલબત્ત એ માટે નિયમિત રીતે નાસાની અપડેટથી વાકેફ રહેવું પડે, નાસાની સત્તાવાર વેબસાઈટ જોતી રહેવી પડે. અમદાવાદ ઈસરોમાં કાર્યરત ગુજરાતી યુવાન જલદીપ વાળાએ કહ્યું કે નાસાની આ યોજનાની મને ખબર પડી ત્યારે અમે નામની નોંધણી કરાવી હતી. એ પછી નાસાએ નામ સ્વિકાર્યાની પહોંચરૂપે મ્ંગળની પ્રતિકાત્મક ટિકિટ પણ મોકલાવી હતી. ગુજરાતમાંથી ઓછામાં ઓછા બે ડઝન લોકોએ આ રીતે નામ નોંધાવ્યા હતા. જેમના નામ મંજૂર થાય તેને નાસા પ્લેનના બોર્ડિંગ પાસ જેવા આકારની ટિકિટની ઈમેજ મોકલાવતી હતી. જેથી લોકો તેને યાદગીરી તરીકે સાચવી શકે.
નામની નોંધણી
નાસાએ શરૂઆતમાં નામ નોંધાવા માટે ૨૦૧૫ સુધી ડેડલાઈન નક્કી કરી હતી. ત્યાં સુધીમાં સવા આઠ લાખ નામ નોંધાયા હતા. એ પછી મિશન મોડું થયું એટલે કે નામ નોંધણીનો બીજો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. તેમાં બીજા ૧૬ લાખ જેટલા નામ રજિસ્ટર થયા. ચીપમાંનોંધાયેલા નામ કાયદેસર રીતે લખવામાં આવ્યા છે. કોઈ ફાલીણાં લખીને તેને ચીપમાં સેવ કરી દેવાયા હોય તેવું નથી. બધા નામ ઈલેક્ટ્રોન બીમ વડે ૮ મિ.મી.ની ચીપની સપાટી પર લખવામાં આવ્યા છે. એ દરેક નામના અક્ષરનું કદ અતિ સુક્ષ્મ, વાળાના એક હજારના ભાગ જેવું છે. પરંતુ એ રીતે નામ નોંધવા કે સાચવવા અશક્ય નથી. જે રીતે મોબાઈલના નાનકડા મેમરી કાર્ડમાં ૧૨૮ જીબીનો ડેટા સાચવવો અશક્ય નથી એ જ રીતે.