‘જય રણછોડ માખણચોર’ના નારા સાથે અમદાવાદ વૃંદાવન બન્યું

Tuesday 09th July 2024 18:26 EDT
 
 

અમદાવાદઃ રવિવારે લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાના મહેરામણ વચ્ચે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા વિનાવિઘ્ને સંપન્ન થઈ હતી. સવારે 7 વાગ્યે જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રામાં બિરાજમાન ભગવાન જગન્નાથને 14 કલાક સુધી અનિમેષ નજરે નિહાળ્યા હતા અને ભક્તો ધન્ય થઈ ગયા હતા. આખું અમદાવાદ જાણે વૃંદાવન બની ગયું હતું. રવિવારનો દિવસ હોવાથી રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર એકે-એક ખૂણે હૈયે હૈયું દળાય તેવી ભીડ હતી.
મોસાળ સરસપુરમાં ભારે ધસારો જોવા મળ્યો. સામાન્યપણે મોસાળામાં જમણવાર કરતી સરસપુરની વિવિધ પોળોમાં 2 લાખ ભક્ત પ્રસાદ લેતા હોય છે. પણ આ વખતે અઢી લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. સરસપુર રથયાત્રા એક કલાક મોડી પહોંચી હતી અને ત્યાંથી બે કલાક મોડી પરત ફરવાની શરૂઆત થઈ હતી. પરંતુ શાહપુર વટાવ્યા પછી રથયાત્રા દોડાવાઈ હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જન્નાથજી - બહેન સુભદ્રા અને ભાઇ બળદેવ માટે ખીચડી-જાંબુ-કેરી સહિતના પ્રસાદનો ભોગ મોકલ્યો હતો. રવિવારે વહેલી પરોઢિયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને પછી ભગવાનને જગન્નાથ મંદિરના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા રથ પર બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પરંપરાગત પહિંદ વિધિ કરી હતી. રથયાત્રાના રૂટ પર પડેલો અંદાજે 30 ટન કચરો 1 હજાર સફાઈ કર્મચારીઓએ તરત ઉઠાવી લીધો હતો.
28 વર્ષથી સખડી ભોગની અવિરત પરંપરા
સરસપુરમાં મોસાળે આવેતા ત્રણેય ભાણેજ ભુખ્યા ન રહે તે માટે પોળના વૈષ્ણવો દ્વારા તૈયાર કરાતા સખડી ભોગની પરંપરા 28 વર્ષથી અવિરત ચાલી રહી છે. આજે પણ ભગવાન જગદીશ સહિત ત્રણેય ભાણેજને ભાવ અને ભક્તિ સાથે સખડી ભોગ જમાડાયો હતો. બપોરના સમયે ત્રણેય ભાણેજ ભુખ્યા થયા હોય અને ભક્તો માટે જે રીતે મહાપ્રસાદ પીરસાય છે તે જ રીતે ત્રણેય ભાણેજને પણ ભોગ ધરાવાય છે. આંબલીવાડના વૈષ્ણવ પરિવારો બે દિવસ પહેલાથી ભોગ બનાવવાની તૈયારી શરૂ કરે છે. આ ભોગમાં દૂધ અને ડ્રાયફુટ સાથેની ખીર, ગળ્યા ભાત, ટોપરાપાક, મગજ, મઠડી, થોર તથા ખજૂર પાકથી માંડી ફ્રુટ ધરાવાય છે. જમના જળ જારી અને છેલ્લે મુખવાસ અપાય છે. થોડો ભોગ લાલ કપડામાં બાંધીને રથ સુધી લઈ જવાય છે. ભોગ મરજાદી વૈષ્ણવો અપરસમાં રહી તૈયાર કરે છે.
ત્રણેય ભાણેજને ‘રજવાડી’ મામેરું
ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભાઈન બલરામ સહિત ત્રણેય ભાણેજને મામેરામાં મોટા ડાયમંડ વર્કના હાર, બંગડીઓ, પાયલ, બુટ્ટી, વસ્ત્રો તેમજ પોપટી કલરના મોરપીંછ વાઘા તેમજ મોર ડિઝાઈનની વિશાળ પાંખડીઓ સહિતનું ભવ્ય મામેરું કરાયું હતું. મામેરામાં મોર અને હાથીની ડિઝાઈનમાં હેન્ડવર્ક કરેલાં વાઘા તેમજ હીરાજડીત અલંકાર, ઘરેણાં સહિત પિતાંબર, ચાંદીની ગાય અને તુલસી ક્યારો સહિતની વસ્તુઓ અપાઇ હતી. ત્રણેય ભાણેજના વાઘા જરદોશી વર્ક અને હેન્ડવર્કથી તૈયાર કરાયેલા હતા.
રથયાત્રા બની એકતાયાત્રા
રવિવારે રજાનો દિવસ હોવાથી શાહપુર અને દરિયાપુરની પોળો સહિતના વિસ્તારોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને રથયાત્રા ખરા અર્થમાં કોમીયાત્રા બની હતી. ભગવાનની એક ઝલક અને પ્રસાદ મેળવવા હિન્દુ અને મુસ્લિમ મહિલાઓ તથા બાળકોએ પડાપડી કરી હતી. કોમી સૌહાર્દભર્યા વાતાવરણમાં રથયાત્રા હર્ષોલ્લાસ સાથે ઉજવાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી દરિયાપુર અને શાહપુર સહિતના વિસ્તારોમાં ક્રિકેટ મેચ, બ્લડ ડોનેશન કેમ્પ, મહોલ્લા મીટિંગો સહિતના આયોજન થયા હતા.
રાજ્યમાં 300થી વધુ શોભાયાત્રા
સમગ્ર ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ જિલ્લાઓ તેમજ તાલુકા સ્તરે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 300થી વધુ રથયાત્રાઓ રંગેચંગે યોજાઇ હતી. આ તમામ રથયાત્રાઓ કોઇ પણ જાતની અનિચ્છનીય ઘટનાો વગર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો. રાજ્યના તમામ શહેરો અને અનેક તાલુકાઓ તેમજ ગ્રામ્યસ્તરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓમાંથી અમદાવાદની રથયાત્રાનો રૂટ દેશનો સૌથી લાંબો રૂટ છે. આથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. અમદાવાદની રથયાત્રા સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વની ગણાય છે. જેમાં દેશની સૌથી આધુનિક સુરક્ષા ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ દ્વારા કરાય છે. રથયાત્રામાં સુરક્ષાની સમીક્ષા કરવા આ વર્ષે એરિયલ સર્વલન્સની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ટ્રક-ટેબ્લોમાં વિશ્વકપ ટીમ ઝળકી
રથયાત્રામાં સૌથી મહત્વનું આભૂષણ એવા વિવિધ થીમ પર સજાવાયેલા ટ્રક-ટેબ્લોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 101 ટ્રકમાં થીમ દ્વારા લોકોને જાગૃતિનો મેસેજ અપાયો હતો. જેમ કે, • બેટી બચાવો, પાણી બચાવોનો મેસેજ • વર્લ્ડ કપ વિજેતા ટીમ અને ટ્રોફીનો ટેબ્લો • અયોધ્યાના રામ મંદિરની ઝાંખી • ભારતીય સંવિધાન • વડાપ્રધાન મોદીને વિશ્વગુરૂ દર્શાવતો ટેબ્લો • જગન્નાથના રથો • ગ્રીન ગુજરાતની ઝાંખી • શ્રવણ કુમારની રથયાત્રા • બાળકૃષ્ણની લીલા • ભગવાન વિષ્ણુના અવતાર • ચંદ્રયાન થીમ વગેરેનો સમાવેશ થતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter