પોપ્યુલર ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. શોમાં મિસીસ રોશન સોઢીનો રોલ કરતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી સામે કોર્ટમાં કેસ કર્યો હતો. પોતાની બાકી ફી નહીં ચૂકવાઈ હોવાનો અને જાતીય સતામણીનો આરોપ તેમણે લગાવ્યો હતો. રિપોર્ટ્સ મુજબ, આ કેસની સુનાવણીમાં કોર્ટે જેનિફરની દલીલો ગ્રાહ્ય રાખીને અસિત મોદીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જેનિફરે કરેલા જાતીય સતામણીના કેસમાં કોર્ટે અસિત મોદીને જેનિફરને બાકી નાણાં ચૂકવવા અને રૂ. પાંચ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ અંગે જેનિફરે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચુકાદો મારી તરફેણમાં આવ્યો છે. નક્કર પુરાવા સાથે રજૂઆતો થઈ હોવાથી અસિત મોદી સામેના આક્ષેપોને ગ્રાહ્ય રખાયા છે. આ કેસમાં અસિત મોદીએ કુલ રૂ. 25-30 લાખ ચુકવવાના થાય છે. અસિતે કરેલી સતામણી બદલ રૂ. પાંચ લાખનું અતિરિક્ત વળતર ચૂકવવાનું થાય છે. આ કેસનો ચુકાદો આમ તો 15 ફેબ્રુઆરીએ આવી ગયો હતો, પરંતુ તેને જાહેર નહીં કરવા કહેવાયું હોવાથી તે ચૂપ હતી. જોકે હજુ સુધી વળતરના નાણાં ન મળ્યા હોવાનો દાવો જેનિફરે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2023ના વર્ષમાં અસિત મોદી, ઓપરેશન હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જેનિફરે તેમની સામે જાતીય સતામણી સહિતના આરોપ મૂક્યા હતા.