નવી દિલ્હીઃ ગુજરાતમાં 2002ના હિંસક રમખાણોને બે દસકા જેટલો સમય વીતી ગયો છે, પરંતુ તેની સાથે સંકળાયેલા વાદવિવાદ - આક્ષેપ-પ્રતિઆક્ષેપ શમતા નથી. વર્ષ 2002ના રમખાણોના કેસમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવી દેવાના કાવતરા પાછળનું ‘મુખ્ય પ્રેરક બળ’ સોનિયા ગાંધી હતા તેવો આાક્ષેપ ભાજપે કાર્યો છે. આ આક્ષેપ સાથે રમખાણો મામલે રાજકારણ ફરી એક વાર રાજકારણ ગરમાયું છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત યાત્રાએ શનિવારે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના અગ્રણી નેતા સ્વર્ગીય અહેમદ પટેલ માત્ર માધ્યમ હતા. જેમના થકી તેમણે (સોનિયા) રાજ્યની ભાજપ સરકારને અસ્થિર કરી દેવા તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીને ખરડવાનું કામ કર્યું હતું.
પાત્રાએ માગણી કરી હતી કે સોનિયા ગાંધી આ મામલે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કરે. ઉલ્લેખનીય છે કે ગોધરા કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) એ તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં એક એફિટેવિડમાં દાવો કર્યો હતો કે તિસ્તા સેતલવાડ 2002ના રમખાણો બાદ રાજ્ય સરકારને ઉથલાવી દેવા માટે અહેમદ પટેલ દ્વારા કરાયેલા એક ‘મોટા કાવતરા’નો ભાગ હતા.
અહેમદ પટેલના બચાવ અંગે કોંગ્રેસના એક નિવેદનની ટીકા કરતાં પાત્રાએ કહ્યું હતું કે આ ખોટા છે. તેમણે સવાલો કર્યો હતો કે શું સુપ્રીમ કોર્ટે સેતલવાડ અને અન્ય આરોપીઓના તેમના ‘કારનામા’ બદલ ઝાટકણી પણ કોઇના ‘દબાણ’માં કાઢી હતી? આને આધારે આ લોકો સામે ગુજરાત પોલીસ દ્વારા કેસ નોંધાયા હતા અને ધરપકડ કરાઇ છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે એવું લાગે છે કે કોંગ્રેસે અનેક પ્રકારના ઇનકારો તૈયાર જ રાખ્યા છે અને તારીખો બદલીને રિલીઝ કરે છે. મારી પત્રકાર પરિષદ અહેમદ પટેલ પર પ્રહારો કરવા માટે નથી કેમ કે તેઓ તો માત્ર એક માધ્યમ હતા, જેમના થકી સોનિયા ગાંધીએ કામગીરી કરી હતી તેમ જણાવતાં પાત્રાએ ઉમેર્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે સોનિયા ગાંધી એક પત્રકાર પરિષદ યોજી દેશને સંબોધિત કરે કે તેઓ શું કામ મોદી સામે કાવતરું કરી રહ્યા હતાં.’
‘ગુજરાતની છબિ ખરડવા અને પુત્ર રાહુલને પ્રમોટ કરવા કાવતરું’
‘તેમણે ગુજરાતી છબિ ખરડવા અને પોતાના પુત્ર રાહુલ ગાંધીને પ્રમોટ કરવા માટે તેમને (મોદી) અને ભાજપને નુકસાન પહોંચાડવાના આશયની કાવતરું કર્યું હતું’ તેવો દાવો કરીને સંબિત પાત્રાએ એસઆઇટીની એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અહેમદ પટેલે સેતલવાડને વ્યક્તિગતરીતે રૂ. 30 લાખ આપ્યા હતા. પટેલે તો માત્ર પૈસાના ડિલિવરી કરી હતી. તેને આપનારા તો સોનિયા ગાંધી હતા.
‘અહમદ પટેલનું તો માત્ર નામ,
મુખ્ય પરિબળ સોનિયા’
પાત્રાએ નોંધ્યું હતું કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર સત્તામાં હતી ત્યારે ગુજરાત રમખાણોના કેસો ચલાવનારા સેતલવાડને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને તેમને નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય પણ બનાવી દેવાયા હતાં. આની પાછળ પણ સોનિયા ગાંધી જ હતા કેમ કે તેઓ સેતલવાડની કામગીરીથી ખુશ હતા તેવો આક્ષેપ પાત્રાએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે અહમદ પટેલ તો માત્ર નામ છે. આ કાવતરા પાછળનું મુખ્ય પરિબળ સોનિયા ગાંધી છે. પાત્રાએ ગુજરાત હાઇ કોર્ટના એક તારણો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમાં તેણે કહ્યું હતું કે સેતલવાડે રમખાણ પીડીતો માટેના નાણાં શરાબ અને હોલિડે રિસોર્ટ્સ સહિત વ્યક્તિગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.
પોતાને કોમી હિંસાની આગથી બચાવવા મોદીનો વ્યૂહઃ કોંગ્રેસ
નવી દિલ્હીઃ સદગત નેતા અને પક્ષના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો બચાવ કરતા કોંગ્રેસ દાવો કર્યો હતો કે તેમની સામે કરાયેલા આક્ષેપો ખરેખર તો નરેન્દ્ર મોદીની એક સુનિયોજિત વ્યૂહરચનાઓ એક ભાગ છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે થયેલી કોમી હિંસા માટેની જવાબદારથી હિંસા માટેની જવાબદારીથી પોતાને અલિપ્ત રાખવા આ વ્યુહ રચ્યો છે.
‘વડા પ્રધાનનું રાજકીય વેર ધરાવતું તંત્ર, મૃત્યુ પામ્યાં હોય તેવા રાજકીય ટીકાકારોને પણ છોડતું નથી. એસઆઇટી તેના રાજકીય આકાઓની ધૂન પર નાચી રહ્યું છે’ તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. પોતના નિવેદનમાં કોગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે પાર્ટી સ્વર્ગીય અહેમદ પટેલના સામેના આરોપોને નકારે છે.
ભાજપે મારા પિતાના નામ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યોઃ મુમતાઝ પટેલ
અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝે પણ ભાજપ દ્વારા પોતાના પિતા દિવંગત અહમદ પટેલ સામે કરાયેલા આરોપોના આકરો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે વિરોધ પક્ષને ખરડવા અને ‘રાજકીય કાવતરા’ માટે તેમના પિતાનું નામ હજુ પણ વજન ધરાવે છે. હવે કાવતરાની થિયરીમાં અહેમદ પટેલનું નામ ઢસડીને ગુજરાતી ચૂંટણી માટેનો તેમનો પ્રચાર શરૂ થઇ ગયો છે. તેઓ આ કામ તેઓ (પટેલ) જીવતા હતા ત્યારે પણ કરતા અને હવે તેઓ નથી ત્યારે પણ કરે છે.