રાજકોટઃ ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે મુખ્ય પ્રધાન અને રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા વિજય રૂપાણીના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પ્રવચન દરમિયાન સરદાર પટેલના ઈતિહાસની વાત કરતી વખતે એવું કહ્યું હતું એક, ‘સરદાર સાહેબે દેશને એકત્ર કર્યો હતો. રાજા-રજવાડાના વાંદરાને ભેગા કર્યાં હતાં અને સીધા કર્યાં હતાં.’ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીથી કારડિયા રાજપૂત સમાજ નારાજ છે અને ફિલ્મ ‘પદ્માવતી’ના કારણે સમગ્ર દેશમાં કેટલાક રાજપૂતોનો પેટા સમુદાય ખફા છે ત્યારે પરેશ રાવલની ક્ષત્રિયો માટેની ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને પરેશ રાવલના નિવેદન પછી ૨૫મી નવેમ્બરે કરણી સેનાના કેટલાક કાર્યકરો પરેશ રાવલ જે હોટેલમાં હતા ત્યાં ઘૂસી ગયા હતા. ક્ષત્રિય કાર્યકરોએ પરેશ રાવલ સાથે લાફાવાળી કરી હતી. આ ઘટના પછી તાત્કાલિક ધોરણે હોટેલ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. આ ઘટનાથી ક્ષત્રિય સમાજમાં નારાજગી ફેલાતાં જોકે અભિનેતાએ બાદમાં રાજકોટમાં અને અન્યત્ર બે વખત માફી લીધી હતી. આ પ્રકરણના કારણે રાજકોટ શહેરના રાજપૂત ક્ષત્રિય સંગઠનોની કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં આ વિવાદનો અંત લાવવા નિર્ણય લેવાયો હતો. એવી પણ વાત થઈ હતી કે કોઈપણ રાજકીય પક્ષો ભવિષ્યમાં સમાજ વિશે ટીપ્પણીઓ કરવાથી દૂર રહે. ૨૭મીએ સવારે રાજકોટ યુવરાજ માંધાતાસિંહ જાડેજા, પ્રવીણસિંહ જાડેજા (સોબીયા), નરેન્દ્રસિંહ જાડેજા, હરીશચંદ્રસિંહ જાડેજા, પી. ટી. જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ), ડી. બી. ગોહિલ કરણી સેનાના જે. પી. જાડેજા, દૈવતસિંહજી જાડેજા, બહાદુરસિંહ ઝાલા વગેરે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં એ પણ ચર્ચા થઈ હતી કે અગાઉ કોંગ્રેસી નેતા શશી થરૂર હોય કે પરેશ રાવલ રાજકીય ભાષણો કે નિવેદનો કરવામાં વિવાદાસ્પદ ટિપ્પણી ટાળે અને રાજપૂત સમાજને વિવાદમાં ઘસડવાનો કોઈપણ પક્ષે પ્રયાસ ન કરવો જોઈએ.
પરેશ રાવલે જોકે નિવેદન અંગે માફી માગી છે અને તેમણે કરેલી સ્પષ્ટતાના કારણે બેઠકમાં વિવાદનો અંત લાવવા સર્વાનુમતે નિર્ણય લઈ રાજકોટ શહેર જિલ્લામાં રાજપૂત ક્ષત્રિય યુવાનોને શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી.