નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડા સહિત તેમની કેબિનેટના સાથીઓ અને એનડીએના સાંસદો સાથે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નિર્માત્રી એકતા કપૂર અને મુખ્ય અભિનેતા વિક્રાંત મેસી, અભિનેત્રી રિદ્ધિ ડોગરા સહિત ફિલ્મની ટીમના અન્ય સભ્યો પણ જોડાયા હતા. ફિલ્મ નિહાળ્યા બાદ વડાપ્રધાન મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની સરાહના કરતા જણાવ્યું હતું કે, ‘હું ફિલ્મના નિર્માતાઓને તેમના પ્રયત્નો માટે બિરદાવું છું.’
વિક્રાંત મેસી અભિનિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વર્ષ 2002ના બહુચર્ચિત ગોધરાકાંડ અને ત્યારપછીના ગુજરાત રમખાણો પર આધારિત છે. જે સમયે આ ઘટના બની તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. આ હિંસક તોફાનો સમયે અને બાદમાં પણ મોદી પર તોફાનો રોકવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાના આક્ષેપો પણ થયા હતા. જોકે બાદમાં તપાસ દરમિયાન આ આક્ષેપો નિરાધાર સાબિત થયા હતા અને તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી.
આ પહેલા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ‘આ સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે.’