સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો દેશ-વિદેશમાં વસતાં બહુમતી ભારતીયોના દિલોમાં રાજ કરે જ છે, પરંતુ હ્યુસ્ટનમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ બાદ ૧૮ વર્ષનો સ્પર્શ શાહ પણ વિશ્વનિવાસી ભારતીયોના દિલોમાં વસી ગયો છે. સ્પર્શે આ મેગા ઇવેન્ટમાં રાષ્ટ્રગીત જન ગણ મન... રજૂ કર્યું હતું. સુરતનો વતની સ્પર્શ જન્મથી જ ઓસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેક્ટા નામની જવલ્લે જ જોવા મળતી બીમારીથી પીડાય છે, પરંતુ તે હિંમત હાર્યો નથી. આજે તે ગાયક, ગીતકાર, રેપર અને મોટિવેશનલ સ્પીકર તરીકે આગવી નામના ધરાવે છે.
ડાયમંડ સિટી સુરતના વતની અને ઉચ્ચ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયેલા હિરેન પ્રફુલ્લચંદ્ર શાહને ત્યાં દીકરાનો જન્મ થયો ત્યારે તે ખુશી લાંબો સમય ટકી નહોતી. જન્મના છ મહિનામાં સ્પર્શને ૩૫થી ૪૦ ફ્રેક્ચર્સ થયા હતાં. ડોક્ટર્સે તપાસ બાદ નિદાન કર્યું કે સ્પર્શ ઓસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેક્ટા નામની જવલ્લે જ જોવા મળતી બીમારીથી પીડાય છે.
આ બીમારીમાં દર્દીનાં હાડકાં એકદમ નાજુક થઈ જાય છે, જેના કારણે દર્દી ચાલી કે દોડી શકવાનું તો ઠીક છે તે સામાન્ય બાળકની જેમ હરી-ફરી પણ શકતો નથી. કોઈની સાથે હાથ પણ મિલાવે તો પણ તેને ફ્રેક્ચર થઈ જાય છે. આ બીમારીના કારણે ૧૨ વર્ષની ઉંમર સુધીમાં સ્પર્શને ૧૨૫થી વધુ ફ્રેક્ચર થઇ ગયા હતા. આજે તેના શરીરમાં ૨૨થી વધુ સ્ક્રૂ અને આઠ સળિયા ફીટ કરાયેલા છે.
જોકે આટલી નાની ઉંમરમાં આવી જટિલ બીમારી છતાં સ્પર્શ ક્યારેય હિંમત હાર્યો નથી. બીમારી ક્યારેય તેનો જુસ્સો ઓછો કરી શકી નથી. સ્પર્શે માત્ર ૩ વર્ષની ઉંમરે કી-બોર્ડ પર સંગીત વગાડવાની શરૂઆત કરી હતી. આજે તે બહુમુખી પ્રતિભાનો માલિક છે.
નાની ઉંમરમાં મોટી સિદ્ધિ
૧૫ વર્ષની ઉંમરમાં ક્લાસિકલ મ્યુઝિકના અભ્યાસ બાદ સ્પર્શ આજે ગાયક, ગીતકાર રેપર તથા મોટિવેશનલ સ્પિકર તરીકે લોકપ્રિય છે. તેણે ૨૭થી વધુ ગીતો તૈયાર કર્યા છે, વિશ્વભરમાં ૧૦૦થી વધુ લાઇવ પરફોર્મન્સ આપ્યા છે. ગૂગલ તથા યુનાઇટેડ નેશન્સમાં સ્પિચ આપી છે તો ‘ટેડ’ ટોક શો, વોઇસ ઓફ ન્યૂ યોર્કમાં સંબોધન કરી ચૂક્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.