‘હિંદુત્વની પ્રયોગશાળા’માં કોંગ્રેસના સોફ્ટ હિંદુત્વનો ટેસ્ટ

Friday 17th November 2017 04:50 EST
 
 

અમદાવાદઃ દેશભરમાં હિંદુત્વની પ્રયોગશાળા તરીકે ઓળખાતા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસે ભાજપના હાર્ડકોર હિંદુત્વ સામે આ વખતે સોફ્ટ હિંદુત્વનો રસ્તો અપનાવ્યો હોય તેવું સ્પષ્ટ થાય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નવર્સજન યાત્રાના ત્રણેય તબક્કામાં સોફ્ટ હિંદુત્વના ભાગરૂપે જ મંદિરોની અચૂક મુલાકાત લીધી છે. તેમણે એક પણ મસ્જિદ, દરગાહ કે પછી અન્ય કોઇ ધર્મસ્થાનની મુલાકાત લીધી નથી. રાહુલના સોફ્ટ હિંદુત્વના કારણે ગુજરાતમાં કોંગ્રેસની પરંપરાગત મુસ્લિમ વોટબેન્ક ખફા નારાજ હોવાનું મનાય છે. ભલે કોઈ આગેવાન અત્યારે ખુલીને જાહેરમાં બોલતા ન હોય પણ આ નીતિના કારણે મુસ્લિમો મતદાન નહીં કરીને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરે તો નવાઈ નહીં. કોંગ્રેસની થિંકટેન્કનો એક વર્ગ આ મુદ્દે પક્ષને ચેતવણી આપી રહ્યો છે કે સત્તા નજીક દેખાઈ રહી છે એ સાચું, પણ ચારેબાજુ હવાતિયાં મારવાથી બાવાના બેય બગડવા જેવી દશા થઈ શકે છે.

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસને જીત નજીક દેખાઈ રહી છે. જીત હાંસલ કરવા કોંગ્રેસે જાતિનું ગણિત અપનાવ્યું છે. જેમાં કોંગ્રેસને કંઈક અંશે સફળતા પણ મળી હોય તેવું લાગે છે. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં સામેલ કરીને જે પરંપરાગત ઠાકોર વોટબેન્ક ધીમે ધીમે ભાજપ તરફ સરકી રહી હતી તેને અટકાવવા કોશિશ કરી છે. દલિત અને પાટીદાર આંદોલનકારી યુવા પણ કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યાં છે. અલબત્ત, બાકી રહેલી ભાજપની કટ્ટર હિંદુ વોટબેન્કને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવા રાહુલ ગાંધી વારંવાર મંદિરોની મુલાકાત લઈ રહ્યાં છે. જેની સામે ખુદ કોંગ્રેસની જ થિંક ટેન્કે વાંધો ઉઠાવ્યો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
રાજકીય નિષ્ણાતો માને છે કે, પહેલાં કટ્ટર હિંદુ વોટબેન્ક હતી જ નહીં. કોંગ્રેસે મુસ્લિમોના તૃષ્ટિકરણની રીતરસમ અપનાવી તેના કારણે જ કટ્ટર હિંદુ વોટબેન્કનો ધીમે ધીમે જન્મ થયો. ૧૯૮૫માં જ્યારે સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં ચુકાદો આપ્યો કે, મહેરની રકમ ભલે ચૂકવાઈ ગઈ હોય તો પણ તલ્લાકશુદા મુસ્લિમ મહિલા ભરણપોષણ મેળવવાપાત્ર છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી દેશભરમાં મુસ્લિમો ખફા થયા એટલે વડા પ્રધાન રાજીવ ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા બંધારણમાં સુધારો કર્યો. જેમાં મુસ્લિમ પર્સનલ લો મુજબ મહિલા ભરણપોષણની હક્કદાર રહેતી નથી તેવા નિર્ણયને બહાલ રાખ્યો હતો. એ પછી કોંગ્રેસની છાપ મુસ્લિમોની ખુશામત કરતી હોવાની પડી હતી.
મુસ્લિમ તૃષ્ટિકરણની છાપને ભૂંસવા અને હિંદુઓને ખુશ કરવા કોંગ્રેસ સરકારે અયોધ્યામાં જ્યાં રામ લલ્લાની પૂજા થતી નહોતી તે રામ મંદિરના તાળાં ખોલ્યા અને આખરે ૧૯૯૨માં બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવામાં આવી હતી. કોંગ્રેસની આ પહેલ બાદ રામમંદિર નિર્માણની માગ સાથે દેશમાં કટ્ટર હિંદુ વોટબેન્કનો જન્મ થયો.
રાજકીય નિષ્ણાતો માને છે કે, સંઘ અને ભાજપ માટે ગુજરાત પહેલેથી જ હિંદુત્વની પ્રયોગશાળા રહ્યું છે. ગુજરાતમાં ૧૯૮૬માં કોમી તોફાનો થયા એ પછી પહેલી વાર ૧૯૯૦ની ચૂંટણીમાં ભાજપ ઊભરીને બહાર આવ્યો. એ વખતે ભાજપે ૬૭ બેઠકો જીતી હતી.
ભાજપે ૨૫મી સપ્ટેમ્બર ૧૯૯૦ના રોજ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. એ વખતે દેશભરમાં હિંદુત્વની લહેર ઊભી થઈ હતી. ૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરાઈ ત્યારે દેશભરમાં કોમી તોફાનો થયા હતા. ગુજરાત પણ આ તોફાનોની લપેટમાં આવ્યું હતું. હિંદુત્વની લહેર વચ્ચે ૧૯૯૫માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપે ૧૮૨માંથી ૧૨૧ બેઠકો જીતી પહેલી વાર ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. આજે એ જ ભાજપ દેશમાં સત્તાના સ્વાદ ચાખી રહ્યો છે.

એક સમયે હિંદુ વિસ્તારોમાંથી મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાતા હતા!

ગુજરાતમાં એક સમય એવો પણ હતો જ્યારે હિંદુની વસતી ધરાવતા મત વિસ્તારમાંથી મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાઈ આવતા હતા. ૧૯૬૨ની પહેલી ચૂંટણીમાં વિસાવદરમાંથી મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા હતા. એ જ રીતે ઘોઘા, દસ્ક્રોઈ, વડોદરા શહેર (ઈસ્ટ), નવસારીમાંથી પણ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. આ સિવાય જમાલપુર, સિદ્ધપુર, માતર, ગોધરા એમ કુલ આઠ મુસ્લિમ ધારાસભ્યો પહેલી વિધાનસભામાં ચૂંટાયા હતા. ૧૯૮૦માં ૧૨ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા. ત્યાર પછીની ચૂંટણીમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થતો રહ્યો. આ આંકડો આજે માત્ર બે ધારાસભ્ય સુધી સીમિત થયો છે.

હિંદુત્વની લહેર બાદ કોંગ્રેસે પણ મુસ્લિમને વધુ ટિકિટ આપવાનું બંધ કર્યું છે. એક સમયે ૧૫થી ૧૭ મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખતી કોંગ્રેસ હવે માંડ અડધો ડઝન કે તેથી ઓછા મુસ્લિમ ઉમેદવારોને ગુજરાતમાં ટિકિટ આપે છે. ૨૦૦૨ના ગુજરાતના કોમી રમખાણો બાદ કોંગ્રેસને ગુજરાતમાં સોફ્ટ હિંદુત્વનું વળગણ લાગ્યું હતું.

પહેલી ચૂંટણીમાં જનસંઘનાં તમામ ઉમેદવારો હાર્યા હતા

મુંબઈથી ૧૯૬૦માં ગુજરાત અલગ પડયું એ પછી વર્ષ ૧૯૬૨માં પહેલી વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાઈ હતી. આ પહેલી ચૂંટણીમાં અત્યારનો ભાજપ જનસંઘના નામે ચૂંટણી લડયો હતો. જનસંઘે પહેલી ચૂંટણીમાં ૨૬ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. અલબત્ત, એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો. ૨૬માંથી ૨૦ બેઠકો પર જનસંઘે ડિપોઝિટ ગુમાવી હતી. એ વખતે ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકો ૧૫૪ હતી. જનસંઘ ઉર્ફે ભારતીય જનસંઘે ગુજરાતની ચૂંટણીમાં ૧૯૭૫માં ૪૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એ વખતે ૧૮ બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ ૧૯૮૦ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના નામે લડાઈ હતી ત્યારે ૧૨૭માંથી ભાજપના ૯ ઉમેદવારો જીત્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ દેશમાં પગ મજબૂત કર્યા તેની શરૂઆત ગુજરાતથી થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter