ગુજરાતીઅોના પ્રિય અને દાઉદી વ્હોરાઅોના મૂળ સ્થાન યમનમાં અંતરવિગ્રહ

Tuesday 15th September 2015 13:28 EDT
 

દાઉદી વ્હોરાઅોના મૂળ સ્થાન અને એક સમયે ગુજરાતીઅો જ્યાં મોટા પ્રમાણમાં વેપાર અને વસવાટ કરતા હતા તે યમન અત્યારે ખૂબજ ખરાબ આંતરવિગ્રહમાં ફસાઇ ગયું છે. સાઉદી અરેબિયા અને તેના જોડીદાર દેશોના સૈન્ય તેમજ યમનના હાઉથી શીયા વિદ્રોહીઅો વચ્ચે જોરદાર લડાઇ ચાલી રહી છે. માર્ચ ૨૦૧૫થી અત્યાર સુધીમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા 'હુ'ના જણાવ્યા મુજબ આશરે ૪,૫૦૦ લોકો મોતને ભેટ્યા છે. એપ્રિલમાં વર્ગવિગ્રહે જોર પકડતા ભારત દ્વારા યમનમાં વસતા આશરે ૪,૦૦૦ ભારતીયો સહિત અગણીત વિદેશવાસીઅોને પરત લવાયા હતા.

સાઉદી અરેબિયાની પડોશમાં અરબી મહાસાગરમાં આવેલ યમનના સુન્ની પ્રમુખ અબદ્રાબો મન્સુર હદીને ઇરાનનું જોરદાર સમર્થન ધરાવતા હાઉથી બળવાખોરોએ ઉથલાવી પાડ્યા હતા. તે પછી હદીએ સાઉદી અરેબિયાના રીયાધમાં શરણાગતી મેળવી છે. યમન શીયાઅોના હાથમાં સરકી જાય તો સમગ્ર અરબ વિસ્તારમાં શીયા બહુમતી ધરાવતા ઇરાનનું બળ વધી જાય. આવા સંજોગોમાં યમન પર સુન્નીઅોનો કબ્જો જળવાઇ રહે તો અરબ વિસ્તારના અન્ય સુન્ની બહુલ દેશો પણ સુરક્ષીત રહી શકે તે આશયે સાઉદી અરેબિયાએ પડોશના સુન્નીબહુલ આરબ દેશોનું સમર્થન લઇને વિશાળ લશ્કર યમનમાં ઉતાર્યું છે. છેલ્લે કતાર પણ સાઉદી સાથે જોડાયું છે અને પોતાના ૧,૦૦૦ સૈનિકો, ૨૦૦ બખ્તરબંધ ગાડીઅો અને ૩૦ અપાચે કોમ્બેટ હેલિકોપ્ટર મોકલ્યા છે.

અત્યારે યમનના પાટનગર સના પર શીયાઅોનો કબ્જો છે અને ગયા સપ્તાહે જ એક મિસાઇલ હુમલામાં ૬૦ ગલ્ફ સૈનિકોના મોત નિપજ્યા હતા. હાઉથી બળવાખોરોને ઉથલાવી પડાયેલા પૂર્વ પ્રમુખ અલી અબ્દુલ્લાહ સાલેહનું સમર્થન છે, જેઅો સનામાં ક્યાંક છુપાયેલા છે અને તેમના સૈનિકો શીયાઅો સાથે મળીને લડત આપી રહ્યા છે. અત્યારે યુનાઇટેડ આરબ અમિરાત અને સાઉદી અરેબિયાના ૩,૦૦૦, કતારના ૧,૦૦૦ બહેરીનના ૧,૦૦૦ મળી ગલ્ફ દળોના કુલ ૫થી ૧૦ હજાર સેનિકો લડી રહ્યા છે. હજુ સોમવારે જ એક સાઉદી ગાર્ડને સરહદ પર ઠાર મરાયો હતો.

યમનના સના અને એડનમાં વર્ષોથી ગુજરાતીઅો અને ભારતીયો રહેતા હતા. વેપાર વણજ માટે ભારતથી એડન ગયેલા કેટલાય પરિવારો આજે લંડન અને યુકેમાં વસે છે અને એડનવાસીઅોની સંસ્થાઅો પણ લંડનમાં ચાલે છે. ગુજરાતી ભાષા અને વેપારને વિશ્વના દરેક ખુણે લઇ જનારા દાઉદી વ્હોરા સમુદાયનું મૂળ વતન પણ યમન છે. પાટનગર સનાથી બે કલાકના અંતરે આવેલ હરાઝ પર્વતમાળાઅોમાં ત્રીજા વ્હોરા ધર્મગુરૂ સૈયદના હાતિમની કબર છે. ભારતીય વ્હોરા સમુદાયે તેનો ઝીર્ણોધ્ધાર કરાવ્યો છે. આટલું જ નહિ વ્હોરા પરિવારો પોતાના સંતાનોના લગ્ન પણ સ્થાનિક વ્હોરાઅો સાથે કરાવે છે અને તેમને ગુજરાતી બોલતા શિખવે છે અને પોતાના જેવો પોશાક અને ટોપી પહેરતા કરી દીધા છે. જોકે સ્થનિક શિયાઅોના રોષને પગલે તેઅો બહાર સ્થાનિક શીયાઅો જેવા કપડા જ પહેરે છે. યમેનમાં હાલ પણ ૧૦ હજાર જેટલા યમેની દાઉદી વ્હોરાઅો વસે છે જેમને મોટેભાગે સ્થાનિક લોકો 'હરાઝી' તરીકે અોળખે છે.

યમનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ગુજરાતના કચ્છના અને જામનગરના સલાયાના અંદાજે ૭૦ ખલાસીઓ ફસાયેલા છે. જોકે બચાવવાની કામગીરી યુનાઇટેડ નેશન્સ યમનમાં યુદ્ધવિરામ જાહેર કરાવે ત્યારે જ તે શક્ય બની શકે તેમ છે. ભારતનું વિદેશ મંત્રાલય અત્યારે ફસાયેલા ખલાસીઓ સાથે સતત સંપર્કમાં છે. આ ખલાસીઓ સાથે પાંચ કાર્ગો બોટ પણ છે અને તેમણે યમનના ખોખા બંદર હોદૈદાહ નામના નાનકડાં કસબામાં આશ્રય મેળવ્યો છે.

યમન પર સાઉદી અરેબિયા દ્વારા થયેલા હવાઈ હુમલામાં કચ્છ અને જામ સલાયાનાં બે વહાણ નિશાન બનાવ્યાના સમાચારથી દરિયા ખેડૂઓમાં ભય વ્યાપ્યો છે. ૫૦૦ ટનની ક્ષમતાવાળું વહાણ ૧૧ ખલાસીઓ સાથે થોડા દિવસ પહેલાં ખાદ્યસામગ્રી ભરીને સોમાલિયાથી સલાલા જઈ રહ્યું હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. જે પૈકી છ ગુજરાતીઓ ખલાસીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે અને તેમની અંતિમક્રિયા પણ કરી દેવાઇ છે. ઓઇલ તસ્કરી માટે કુખ્યાત આ વિસ્તારમાં આરોપીઓને નિશાન બનાવવાના ઈરાદે આ હવાઈ હુમલા થયા હોવાનું કહેવાય છે. ઉપરાંત આ વહાણ સાથે જામસલાયાનું ‘રામરતન’ વહાણ પણ ભોગ બન્યું હોવાના અહેવાલ છે. ફસાયેલા ખલાસીઅોએ જબૂતીમાં ઈન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરતા તેમણે મદદનું આશ્વાસન આપ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું છે કે 'યમનનું દૂતાવાસ આ મામલે વાકેફ છે અને ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાના પ્રયાસમાં લાગી ગયું છે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter