ગુજરાતના છેવાડાના અને પછાત ગણાતા આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ અને પછાત બાળકોના શિક્ષણ માટે સર્વસ્વ હોમી દેનાર પીપી સ્વામીના નામે અોળખાતા પૂ. પુરૂષોત્તમ પ્રકાશ દાસજી યુકેની મુલાકાતે પધાર્યા છે. છેલ્લા ૧૮ વર્ષથી ડાંગની ધરતીને નંદનવન બનાવવા પુરૂષાર્થ કરી રહેલા સાચા અને ક્રાંતિકારી સાધુ પૂ. પીપી સ્વામી ડાંગ જીલ્લાના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઅોનો વિકાસ કરવા કટિબધ્ધ છે. હાલમાં તેઅો ડાંગ જીલ્લાના સાપુતારાની તળેટીમાં આવેલા માલેગાંવ ગામમાં ૫૫૦ આદિવાસી વિદ્યાર્થીઅોની નિવાસી શાળાનું સંચાલન કરે છે. આ શાળામાં ધોરણ ૯થી ૧૨ સુધીના વિદ્યાર્થીઅો અભ્યાસ કરે છે અને અત્યાર સુધીમાં શાળામાં ભણેલા આાદિવાસી વિદ્યાર્થીઅોમાંથી ત્રણ ડોક્ટર અને ૫૮ એન્જીનીયર બની ચૂક્યા છે. જ્યારે બે વિદ્યાર્થીઅો મેડિકલમાં અને બે ડેન્ટલમાં અભ્યાસ કરી રહ્યા છે.
પૂ. પીપી સ્વામી 'પ્રાયોષા પ્રતિષ્ઠાન'ના સ્થાપક અને મંત્રી છે અને તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ડાંગની મુલાકાત લઇ પ્રાયોષા પ્રતિષ્ઠાનને ડાંગની ૬૧ પ્રાથમિક શાળાઅો દત્તક આપવામાં આવી હતી. આ ૬૧ શાળાઅોના બાળકોને ગુજરાતી લખતા વાંચતા શિખવવાની જવાબદારી હવે પ્રાયોષા પ્રતિષ્ઠાન દ્વારા ઉઠાવવામાં આવશે.
પૂ. પીપી સ્વામી ચાર 'અ' પર ખાસ ભાર મૂકે છે. અક્ષરજ્ઞાન, આરોગ્ય, અન્ન અને આચરણ. હાલમાં તેમના દ્વારા ડાંગ જીલ્લાના સુબિર તાલુકાને કુપોષણથી મુક્ત કરવા અભિયાન ચલાવાઇ રહ્યું છે. આદર્શ ગામ તૈયાર કરવાનું પણ અભિયાન આદરવામાં આવ્યું છે. આવા બે આદર્શ ગામ તૈયાર થઇ ગયા છે જેમાં સૌ કોઇ વ્યસનમુક્ત છે. સંસ્થા દ્વારા ગામે ગામ હનુમાનજીના મંદિરો બનાવાય છે. જેથી સ્થાનિક અભણ,આદિવાસી પ્રજામાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થઇ શકે.
પૂ. પીપી સ્વામી યુકેમાં તા. ૨૮-૮-૨૦૧૫ સુધી રોકાનાર છે. યુકેની જે સંસ્થાઅો, મંદિરો અને સંગઠનોને આદિવાસીઅો, તેમના બાળકોના પ્રશ્નો, મુશ્કેલીઅો જાણવામાં કે તેમના વિકાસમાં રસ હોય અને પૂ. પીપી સ્વામીના પ્રવચનોનું આયોજન કરવું હોય તો તેઅો સ્વામીજીનો સંપર્ક સાધી શકે છે. પૂ. સ્વામીજી દાનની કોઇ જ અપેક્ષા ધરાવતા નથી. સંપર્ક: 07448 078 324અને 0091 94264 40789.