કુદરતની સામે માનવી ઘણો વામણો છે તેનો ચિતાર RAF ના જાયન્ટ એરબસ A400M એટલાસ ટ્રાન્સપોર્ટ વિમાનમાંથી લેવાયેલી આ તસવીરથી મળી રહે છે. સમરસેટ શહેરના કદ, ૯૩ માઈલની લંબાઈ અને ૩૪ માઈલની પહોળાઈ તેમજ ટ્રિલિયન ટનના ગંજાવર વજન સાથેનો હિમખંડ બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીના પ્રાકૃતિક અભયારણ્ય સાઉથ જ્યોર્જિયા આઈલેન્ડની તરફ આક્રમકતાથી આગળ ધસી રહ્યો છે. A68a નામે ઓળખાતા હિમખંડની ગતિ પ્રતિ કલાક લગભગ અડધો માઈલની છે અને ૧૦ ડિસેમ્બરે તે આઈલેન્ડથી ૧૨૫ માઈલના અંતરે હતો. સાઉથ એટલાન્ટિકના થીજેલાં પાણીમાંથી જુલાઈ ૨૦૧૭માં છૂટો પડેલો આ હિમખંડ ઓછામાં ઓછાં ૬૫૦ માઈલ ઉત્તર દિશામાં સરક્યો છે.
વિજ્ઞાનીઓના કહેવા અનુસાર વિશાળકાય હોવાં છતાં, હિમખંડની ઊંડાઈ આશરે માત્ર ૬૫૦ ફૂટ (૨૦૦ મીટર)ની છે જે મોટા ભાગના હિમખંડોની સરખામણીએ ઘણી છીછરી ગણાય. આનો અર્થ એ છે કે તે થોડા દિવસમાં જ સાઉથ જ્યોર્જિયા આઈલેન્ડના કિનારા સાથે ટકરાઈ શકે છે અને ઓગળેલું સેંકડો ટ્રિલિયન લિટર તાજું અતિ ઠંડુ પાણી લાખો સીલ માછલીઓ, પેંગ્વિન્સ અને અન્ય દરિયાઈ પ્રાણીઓની ઈકોસિસ્ટમમાં ઠાલવી શકે છે. આના પરિણામે, આસપાસના સમુદ્રના તાપમાન અને ખારાશનું પ્રમાણ બદલાઈ જવા સાથે ઈકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડશે. હિમખંડને સંપૂર્ણપણે ઓગળી જવામાં દાયકો પણ લાગી શકે છે. આ ટાપુ પર કાયમી વસાહત નથી પરંતુ, ઉનાળામાં બ્રિટિશ એન્ટાર્ટિક સર્વેના ૨૫ કર્મચારી, બે સરકારી અધિકારી, તેમના જીવનસાથી તેમજ મ્યુઝિયમના ચાર કર્મચારી સહિતના લોકો રહેતા હોય છે. વરિષ્ઠ વિજ્ઞાનીઓ કહે છે કે આ બાબતે કશું કરી શકાય તેમ નથી. દર વર્ષે હિમખંડો આવે છે પરંતુ, આટલો કદાવર હિમખંડ પહેલી વખત આવે છે.