હેડિંગ વાંચીને ચોંકી ગયાને?! વાત સોળ આની સાચી છે, પણ અત્યારની નથી... પચાસ વર્ષ પહેલાની છે. તે સમયે ભારતના કોલકતાથી લંડન સુધી બસમાર્ગે પહોંચાતું હતું. સીતેરના દાયકામાં આ બસ સેવા સિડનીની એક ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપની ઓપરેટ કરતી હતી. આ બસ સેવા એ સમયે દુનિયામાં સૌથી લાંબો બસ રુટ ગણાતો હતો. સિડનીની અલ્બર્ટ ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ ૧૯૫૬માં આ બસ સર્વિસ શરૂ કરી હતી, જે ૧૯૭૩ સુધી ચાલુ રહી હતી. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી આ બસ અને તેની ટિકિટના ફોટોગ્રાફ ખૂબ વાયરલ થયા છે, જે લંડનના વિકટોરિયા કોચ સ્ટેશનનો છે. કોલકતાથી લંડન જનારી આ બસનું શિડયુલ ઘણા સમય પહેલાથી જ તૈયાર થઇ જતું હતું. રસ્તામાં કયાંય જો ફરવા કે જોવાલાયક સ્થળ જણાય તો સ્થગિત થતી હતી. ટૂર ઓપરેટ કરતી કંપનીની નકકી કરેલી હોટેલમાં બસ રાત્રી મુકામ કરતી હતી. લંડન જનારી આ બસને પ્રવાસીઓ પણ નોંધપાત્ર સંખ્યામાં મળી રહેતા હતા. કોલકતાથી રવાના થતી બસ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન, તુર્કી, બલ્ગેરિયા, યુગોસ્લાવિયા, ઓસ્ટ્રીયા, જર્મની અને બેલ્જીયમ થઇને ૪૫ દિવસના અંતે લંડન પહોંચતી હતી. સ્લીપિંગ કોચની સગવડ ધરાવતી આ બસમાં મુસાફરો રેડિયો અને ટેપ ચાલુ કરીને મનપસંદ મ્યુઝિક સાંભળી શકતા હતા. ગરમી ના લાગે તે માટે બસમાં પંખા હતા અને ઠંડી સામે રક્ષણ આપવા માટે હિટરની સગવડ હતી. કોલકતાથી લંડન જતી આ ડબલ ડેકર બસ ‘આલ્બર્ટ’ નામથી ઓળખાતી હતી. આ બસ નકકી કરેલા રુટ પરથી જ પાછી ફરતી હતી. આ બસમાં લોકોની મુસાફરી શક્ય તેટલી આરામદાયક રહે તે માટે પૂરતો પ્રયાસ કરવામાં આવતો હતો.
૧૯૭૨ સુધી કોલકતાથી લંડન સુધીનું બસ ભાડું ૧૪૫ પાઉન્ડ હતું. જેમાં બસ ભાડા ઉપરાંત નાસ્તો, ભોજન અને હોટેલમાં રહેઠાણની સગવડ પણ સામેલ હતી. મુસાફરો નાની બસોમાં કોલકતામાં આ ડબલ ડેકર બસ સુધી પહોંચતા હતા. લંડન જતા બસયાત્રીઓને સ્લીપિંગ બર્થની સગવડ મળતી હતી અને તેઓ સૂતા સૂતા આરામથી બારીની બહારનો નજારો જોઇ શકતા હતા. બસમાં સલૂન ઉપરાંત પુસ્તકો વાંચવા અને બહારનો નજારો માણવા માટે એક ખાસ બાલ્કની પણ હતી.