ડેવિડના સ્ટારના આકારમાં ૬૦૦ મીણબત્તીને પ્રગટાવાઈ

Wednesday 02nd February 2022 05:11 EST
 
 

ઇંગ્લેન્ડના યોર્ક શહેરસ્થિત યોર્ક મિન્સ્ટરના ચેપ્ટર હાઉસમાં યોર્કના કાર્યવાહક ડીન રેવ. કેનન માઇકલ સ્મિથ ઇન્ટરનેશનલ હોલોકાસ્ટ રિમેમ્બરેન્સ ડે નિમિત્તે યહુદીઓ માટે પવિત્ર ગણાયેલા ડેવિડના સ્ટારના આકારમાં ૬૦૦ મીણબત્તીને પ્રગટાવવામાં મદદ કરતા દેખાય છે. દ્વિતીય વિશ્વ યુદ્વમાં નાઝીઓ દ્વારા નરસંહારમાં ૬૦ લાખથી વધુ યહુદી લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કમ્બોડિયા, રવાન્ડા, બોસનીઆ અને ડાર્ફૂરમાં પણ નરસંહારો થયા હતા તે તમામ મૃતકોની યાદમાં દર વર્ષે ૨૭ જાન્યુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય નરસંહાર સ્મૃતિ દિવસ’ ઉજવાય છે અને પ્રતીકરૂપે મીણબત્તીઓ પ્રગટાવાય છે. ૧૯૪૫ની ૨૭ જાન્યુઆરીના આ દિવસે નાઝીઓની સૌથી મોટી મોતની છાવણી ઓશવિત્ઝ-બિર્કેનાઉને મુક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યહુદીઓ માટે આંતરરાષ્ટ્રીયસ્તરે સ્વીકૃત ડેવિડનો સ્ટાર જીવનના અનેક પાસાઓ, વિશ્વાસ, યહુદી પરંપરા અને યહુદી રાષ્ટ્ર ઇઝરાયલનું પ્રતીક છે. વર્ષ ૨૦૨૨ માટે સ્મરણ ઉજવણીનો વિષય ‘One Day- એક દિવસ’ હતો જે લોકોને એક સાથે મળવા અને હોલોકાસ્ટ, નાઝી અત્યાચાર અને નરસંહારો વિશે જાણવાની તક આપે છે. ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે કોઈ નરસંહાર નહિ થાય તેવી આશા વ્યક્ત કરવા ધર્મના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter