અંતરિયાળ સાઈબિરિયાના જંગલમાં મંચુરિયન ફિર વૃક્ષને આલિંગન કરતી વાઘણની આ દુર્લભ તસવીરે રશિયન ફોટોગ્રાફર સર્ગેઈ ગોર્શ્કોવને સૌથી પ્રતિષ્ઠિત ‘વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર ૨૦૨૦’નો પુરસ્કાર અપાવ્યો છે. આ પળને છુપાવેલા કેમેરામાં કંડારવા માટે સર્ગેઈએ ૧૧ મહિના તપસ્યા કરવી પડી હતી. સામાન્યપણે વાઘ કે વાઘણ જેવા પ્રાણીઓ સંવનનકાળમાં પોતાના સાથીને આકર્ષવા માટે વૃક્ષ કે શિલાઓ પર પોતાના યુરિન કે વાળ સહિતની વિશેષ ગંધ છોડતાં જાય છે. આ તસવીર જોઈએ તો ભારતના ચીપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણાની યાદ પણ આવી જાય જેમણે, વૃક્ષોને કપાતા બચાવવા માટે તેમની સાથે ચોંટી રહેવાનું આંદોલન છેડ્યું હતું. આ વાઘણ પણ વૃક્ષને ચીપકીને કદાચ એવો જ સંદેશો આપી રહી છે કે, વહાલા માનવીઓ, જો આમને આમ જંગલોમાં વૃક્ષોને કાપતા રહેશો તો અમારાં જેવાં પ્રાણીઓ માટે વસવાટનું કયું સ્થળ બચશે? લંડનના નેચલ હિસ્ટરી મ્યુઝિયમમાં ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટને આ પુરસ્કાર માટે રશિયન ફોટોગ્રાફર સર્ગેઈ ગોર્શ્કોવનું નામ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ૪૯,૦૦૦થી વધુ તસવીરોમાંથી આ વાઘણની ચીપકો તસવીર પસંદ કરાઈ હતી.લુપ્ત થવાના આરે પહોંચેલા આમુર અથવા સાઈબેરિયન ટાઈગર પૂર્વ રશિયાની ચીન તેમજ નોર્થ કોરિયાની સરહદ પર આવેલા વિશાળ જંગલોમાં વસે છે. તેનો શિકાર થતો બચાવવાના અનેક પગલાં લેવાવાં છતાં આજે તેની વસ્તી માંડ ૫૦૦થી ૬૦૦ જેટલી જ રહી છે. નર આમુર વાઘ ૨૦૦૦ કિલોમીટર અને વાઘણ ૪૫૦ કિલોમીટર જેટલી વિશાળ પ્રાદેશિક સત્તા ધરાવે છે. આના કારણે તેમની તસવીર લેવી મુશ્કેલ બની રહે છે..