પાર્શ્વગાયિકા આશા ભોંસલે. ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ના દિવસે સંગીતકાર હૃદયનાથ મંગેશકરના ઘરે તેમનો જન્મ થયો. સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાના બહેન. તેમની આવી જ પ્રચલિત ઓળખાણો તો ઘણી, પણ જે આશાતાઈને એક વખત પણ થોડી વાર માટે મળે એને એવી છાપ નિશ્ચિતપણે મગજમાં બેસી જાય કે આ સ્ત્રી કોઈ નવજુવાનને પણ શરમાવે તેવો જબરદસ્ત જુસ્સો ધરાવે છે. દરેક બાબતે. જ્યારે આશાજી ૮૨ વર્ષનાં હતાં ત્યારે આ ફોટોગ્રાફ લેવાયેલાં છે. ૮૨ વર્ષની વયે પણ તેઓએ આખા સ્ટેજ પર ફરતાં ફરતાં એક સાથે સળંગ સાત ગીતો પ્રસ્તુત કર્યાં હતાં. એક પણ બ્રેક વગર અને એક પણ વાર બેઠાં વગર. આમ છતાં તેમના ચહેરા પર થાકનો એક પણ અણસાર નહીં. એકદમ તાજગીસભર અને ઉત્સાહભર્યા ચહેરે તેઓ ફોટોગ્રાફ માટે પોઝ આપી જાણે. સંગીતના વ્યવસાય ક્ષેત્રે તેઓ જેટલું બહોળુ અને નામાંકિત વ્યક્તિત્વ ધરાવે છે તેટલાં જ અંગત જીવનમાં તેઓ કુશળ અને પ્રેમાળ યજમાન છે. મહેમાન તેમને ત્યાં જાય ત્યારે તેઓ પોતે હરખથી રસોઈ બનાવે અને પ્રેમથી જમાડે. તેમનો આ ઉત્સાહી સ્વભાવ આપણને અહેસાસ કરાવે કે ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું કામ કોઈ કંટાળા વગર કરતા રહેવાનું.