બર્કશાયરસ્થિત પ્રખ્યાત રેસકોર્સ રોયલ એસ્કોટમાં પાંચ દિવસની અશ્વદોડ સ્પર્ધાઓનું શનિવાર 18 જૂને સમાપન થયું છે. વિશ્વના સૌથી શ્રેષ્ઠ અશ્વોને આ લાખો પાઉન્ડના ઈનામો ધરાવતી સ્પર્ધામાં ઉતારવામાં આવે છે. પાંચ દિવસમાં આશરે 500 અશ્વો સ્પર્ધામાં જોડાય છે. આ સિવાય રોયલ એસ્કોટ ફેશનવિશ્વનું પર્યાય બની રહ્યું છે. 96 વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીયના શાસનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવાઈ રહી છે ત્યારે અશ્વપ્રેમી ક્વીન રોયલ એસ્કોટમાં હાજરી આપશે તેવી આશા ઠગારી નીવડી છે. ક્વીનની તાજપોશી પછી પહેલી જ વખત તેમણે રોયલ એસ્કોટ ઈવેન્ટ્સમાં હાજરી આપી નથી. આમ છતાં, ઉજવણીમાં ભાગ લઈ રહેલા નરનારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દર વર્ષે યોજાતી અશ્વદોડનો ત્રીજો દિવસ લેડીઝ ડે તરીકે જાણીતો બની ગયો છે.
આ દિવસે મહારાણી એલિઝાબેથ પણ આવવાની સંભાવના હોવાથી આકર્ષક હેટ્સ અને કોસ્ચ્યુમ્સ સાથે મહિલાઓનો જુવાળ ઉમટવાના પગલે આ હોર્સ રેસમાં ફરી ગ્લેમર છવાઈ ગયું હતું. જોકે, ક્વીન મોબિલિટી સમસ્યાના લીધે આવી શક્યા ન હતાં. મહામારીના બે વર્ષ દરમિયાન આ રજવાડી કાર્યક્રમની ઉજવણી સ્થગિત રહ્યા પછી લોકોએ ફરી એ જ પુરાણા મિજાજ અને મસ્તી સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો. રંગબેરંગી પોશાકોમાં રેસની શોખીન મહિલાઓ રેસકોર્ટ સુધી મોટી સંખ્યામાં પહોંચી રહી હતી. અવનવા હેટ્સ અને પોશાકોથી સજ્જ મહિલાઓથી રેસકોર્સ મેદાન છલકાઈ ગયું હતું. બ્રિટશ રાજ પરિવારના સભ્યોએ વારાફરતી પાંચ દિવસીય ઈવેન્ટમાં હાજરી આપી હતી.