લંડનથી માત્ર અડધા કલાકના અંતરે આવેલા નાના ટાઉન એસ્કોટનું નામ આજકાલ તેની પ્રખ્યાત વાર્ષિક અશ્વદોડના કારણે ગુંજી રહ્યું છે તેના કરતાં પણ વધુ તો રોયલ એસ્કોટ લેડીઝ ડેના દિવસે અવનવી ફેશન્સ, અત્યાધુનિક અને ચિત્રવિચિત્ર હેટ્સ ધારણ કરેલી લલનાઓના કારણે વધુ પ્રખ્યાત છે. લેડીઝ ફેશન્સમાં ચાર ચાંદ ત્યારે લાગી ગયા જ્યારે 1000 સન્નારીએ વિશિષ્ટ અને સર્વાંગ સુંદર ભારતીય સાડી ધારણ કરીને 16 જૂને રેસકોર્સના મેદાન પર દેખા દીધી હતી.
મેડિકો વિમેન્સ ચેરિટી ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત અભિયાનમાં પરંપરાગત ભારતીય વસ્ત્રો બાબતે જાગરૂકતા ઉભી કરવા અને ભારતીય વણકરો માટે સપોર્ટ મેળવવાના હેતુસર વિવિધ પ્રકારની સાડીઓ પહેરી બ્રિટિશ ભારતીય અને એશિયન મહિલાઓએ અશ્વદોડનો ફેશન દિવસ પોતાના નામે કરી લીધો હતો. હાથવણાટથી માંડી હાથે પેઈન્ટ કરેલી તેમજ મધુબનીથી માંડી કંથા અને શુદ્ધ રેશમથી માંડી ટસર સિલ્કની રંગબેરંગી અને ડિઝાઈનર સાડીઓની અનેરી મેઘધનુષી આભા જોવા મળી હતી.
ક્વીન એન દ્વારા 1711માં સ્થાપના કરાઈ ત્યારથી રોયલ એસ્કોટ રેસ ચાલતી આવે છે પરંતુ, તેમાં કદી સત્તાવાર લેડીઝ ડેનો ઉલ્લેખ કરાતો નથી. જોકે, ઈંગ્લિશ મહિલાઓએ પોતાના વિશિષ્ટ વસ્ત્ર અને હેટપરિધાનથી એક દિવસ પોતાના નામે કરી લીધો છે.