લંડનના વિશાળ હીથ્રો એરપોર્ટ પર રોજના લાખો પેસેન્જર્સની અવરજવર થતી હોવાના કારણે તેની નામના વિશ્વના અત્યંત વ્યસ્ત એરપોર્ટ તરીકે થાય છે. આમ છતાં, ત્યાંની સિસ્ટમ્સ ઘણી વખત નિષ્ફળ જવાથી પ્રવાસીઓ ભારે હાલાકીમાં મૂકાઈ જાય છે. હીથ્રો એરપોર્ટની બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ નિષ્ફળ જતાં ત્યાં સેંકડો પ્રવાસીઓની હજારો બેગ્સનો ખડકલો થઈ ગયો હતો અને તેના લીધે પ્રવાસીઓ હેરાન થઈ ગયા હતા. આટલા જંગી પ્રમાણમાં બેગોનો ખડકલો થવાથી એરપોર્ટ સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી લીધા હતા અને પ્રવાસીઓને તેમની બેગ્સ કદાચ પરત ન પણ મળે તેમ કહી પણ દીધું હતું.
બેગેજ સિસ્ટમમાં આવેલી તકલીફના કારણે ઘણા પ્રવાસીઓએ તેમની મૂલ્યવાન બેગ ગુમાવવી પડે તેમ છે. જો કોઈ ભારતીય એરપોર્ટ પર આવી પરિસ્થિતિ સર્જાઈ હોત તો આ જ અંગ્રેજ પ્રવાસીઓ નાકનું ટીચકું ચડાવી ભારતીયોને પછાતપણાના મહેણાં-ટોણાં સંભળાવવામાં જરા પણ પાછીપાની કરે નહિ. પરંતુ, વિશ્વના ધનવવાન અને વિકસિત દેશમાં આવી ગેરવ્યવસ્થા કે અરાજકતા સર્જાય તો ટેકનોલોજી વિરુદ્ધ બળાપો કાઢીને રહી જવું પડે છે.