દેના બેન્કના ચેરમેન અને એમડી લંડનની મુલાકાતે

Tuesday 08th September 2015 11:14 EDT
 
 

દેનાબેન્કના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અશ્વનિ કુમારે લંડન અને બ્રિટનમાં દેના બેન્કની બ્રાન્ચ ખોલવા માટેની શક્યતાઅોને તપાસવા તાજેતરમાં જ લંડનની મુલાકાત લીધી હતી અને લંડનમાં વસતા ગુજરાતીઅો સહિત ભારતીય સમુદાયના અગ્રણીઅો, અગ્રણી બેન્કરો સાથે બેઠકો યોજી બેન્કની શાખાની સ્થાપના અંગેની શક્યતાઅો સહિત વિવિધ બાબતોની ચકાસણી કરી હતી.

શ્રી અશ્વનિ કુમારે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને મુલાકાત આપતાં જણાવ્યું હતું કે આપ જાણો છો તેમ દેના બેન્કની ગુજરાત રાજ્યમાં ૭૦૦ સહિત ભારતભરમાં કુલ ૧,૭૫૦ શાખાઅો આવેલી છે અને આ વર્ષે અમે વધુ ૪૦૦ શાખાઅો ખોલવા માંગીએ છીએ. લંડન ખાતે અમારી પ્રથમ અોવરસીઝ રીપ્રેઝન્ટેટીવ અોફીસ ખોલવામાં આવી હતી અને અમે લંડનમાં અને તે પછી અન્ય શહેરોમાં બેન્કની શાખાઅો ખોલવાનું આયોજન કરી રહ્યા છીએ. મારી આ મુલાકાતનો આશય શાખા ખોલવા માટે વિસ્તૃત તપાસ અને ચકાસણી કરવાનો જ છે. બેન્ક ખોલવા માટેની જરૂરી પ્રક્રિયા તેમજ કાનુની પાસાઅોની અમે સંપૂર્ણ તપાસ કરી લીધી છે અને હવે સબસીડરી શાખા ખોલવી કે પછી સીધી પૂર્ણત: બ્રાન્ચ જ ખોલવી તેનો નિર્ણય લેવાનો છે. કયા માર્ગથી યુકેના બેન્કીંગ ક્ષેત્રમાં પ્રવેશ કરવો તેની આખરી ચકાસણી કરવા આવ્યો છું અને આ નજીકના ભવિષ્યમાં આ અંગે યુકેના કાયદાઅોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.'

શ્રી અશ્વનિ કુમારે જણાવ્યું હતું કે 'બ્રિટનમાં ગુજરાતીઅો મોટા પ્રમાણમાં વસી રહ્યા છે અને ગુજરાતીઅો માત્ર બે બેન્કોને પોતાની ગણે છે, એક દેના બેન્ક અને બીજી બેન્ક અોફ બરોડા. અમારો આશય ગુજરાતીઅોની તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. દેના બેન્ક સાથેના વ્યવહારમાં ગુજરાતીઅો ખૂબજ સલામતી અને સુગમતા અનુભવે છે. જો યુકેમાં અમે શાખા ખોલીશું તો તે યુકે સ્થિત પ્રથમ શાખા હશે. ગયા વર્ષે યુકે સરકાર દ્વારા બેન્કો ખોલવા અંગેનો નવો કાયદો અમલમાં મૂકાયા બાદ નિર્ણય લેવામાં ઢીલ થઇ હતી. આજે સાંજે હું ગુજરાતી સમુદાયના લોકોને મળનાર છું અને તે સમયે તેમની જરૂરિયાતો વિષે જાણવામાં આવશે. જો કોઇ ગુજરાત કે ભારતમાં અન્ય સ્થળે પણ મકાન ખરીદવા માંગતા હશે તેમનો સંપર્ક ભારત સ્થિત અમારી શાખાના અધિકારીઅો સાથે કરાવીને વતનમાં ઘર હોવાનું દરેકનું સ્વપ્ન સાકાર થાય તે માટે અમે બનતી તમામ મદદ કરવા કટિબધ્ધ છીએ.'

શ્રી કુમારે જણાવ્યું હતું કે શરૂઆતથી જ દેના બેન્ક વેપારી અને મધ્યમ વર્ગના લોકોની બેન્ક રહી છે. અમે ૨૦૦૬-૦૭માં કોર્પોરેટ એડવાન્સીસ અને લાર્જ એડવાન્સીસ ક્ષેત્રે કામ કર્યું હતું પરંતુ તે પછી અમે ટ્રેડર્સ તરફ પરત થયા હતા અને હવે સંપૂર્ણ ધ્યાન ટ્રેડર્સ બેન્કીંગ તરફ દોર્યું છે. અમે ભારતના વિવિધ ગામડાઅો અને નગરોમાં હેલ્થ ચેક અપ કેમ્પ અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્યના કેમ્પ અને અન્ય સામજીક સેવા કાર્યો કરીએ છીએ. શિક્ષણ, સેનિટેશન અને અન્ય ક્ષેત્રે અમે ગુજરાત અને છત્તીસગઢના ગામોમાં ઘણી જ સરસ કામગીરી કરી છે અને આગામી વર્ષોમાં અમે વધુ ગામડાઅો પર ધ્યાન કેન્દ્રિત કરનાર છીએ.

શ્રી અશ્વનિ કુમારે કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને સર્ટિફાઇડ એસોસિએટ અોફ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ અોફ બેન્કર્સનો અભ્યાસ કરેલો છે અને ૧૯૮૧માં અલ્હાબાદ બેન્કમાં પ્રોબેશનરી અોફિસર તરીકે જોડાયા હતા. ૩૩ વર્ષનો સુદિર્ઘ બેન્કીંગ અનુભવ ધરાવતા શ્રી કુમારને બેન્કીંગ ક્ષેત્રે અોપરેશન, એડમિનિસ્ટ્રેશન તેમજ ગ્રામીણ વિકાસ ક્ષેત્રે વિવિધ લેવલનો વિશાળ અનુભવ છે. તેઅો ઇન્ડિયન બેન્કીંગ એસોસિએશન (IBA)ના ડેપ્યુટી ચેરમેન છે અને દેના બેન્કમાં જોડાયા પહેલા તેઅો ૨૦૧૦ સુધી કોર્પોરેશન બેન્કમાં એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપતા હતા. તેઅો લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના બોર્ડ મેમ્બર છે અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ અોફ બેન્ક મેનેજમેન્ટ (NIBM)ના ગવર્નીંગ બોર્ડ અને સ્ટેન્ડીંગ કમિટીના મેમ્બર છે. તેઅો IIBFના વાઇસ પ્રેસિડેન્ટ છે.

શ્રી કુમાર ફોરેક્ષ ડીલર તરીકે પણ પાંચ વર્ષનો અનુભવ ધરાવે છે અને તેમણે અલ્હાબાદ બેન્કની નવી દિલ્હી સ્થિત ઇન્ટરનેશનલ શાખામાં ૧૯૯૮માં બુલિયન ડેસ્ક પણ શરૂ કર્યું હતું. તેમણે ચેરમેન અને મનેજીંગ ડાયરેક્ટરના આસીસ્ટન્ટ એક્ઝીક્યુટીવ, હેડ અોફ પ્લાનીંગ અને ડેવલપમેન્ટ, માર્કેટીંગ, રીટેઇલ ક્રેડિટ, પબ્લીસીટી, એએલએમ, ટ્રેઝરી અોપરેશન્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસ ક્ષેત્રે પણ વિસ્તૃત અનુભવ ધરાવે છે. બેન્કીંગ ક્ષેત્રમાં જોડાતા પહેલા તેઅો સ્ટીલ અોથોરીટી અોફ ઇન્ડિયામાં એક્ઝક્યુટીવ ટ્રેઇની તરીકે જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દેના બેન્કની સ્થાપના દેવકરણ નાનજી પરિવારે ૨૬મી મે, ૧૯૩૮ના રોજ કરી હતી અને પછીથી દેવકરણ નાનજીના નામને ટુંકાવીને દેના બેન્ક નામ રાખ્યું હતું. ૧૯૬૯માં દેના બેન્કનું અન્ય તેર બેન્કો સાથે રાષ્ટ્રીકરણ કરાયું હતું. દેના બેન્કને ૧૯૯૫માં વિશ્વ બેન્ક દ્વારા ફાઇનાન્સીયલ સેક્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ૭૨.૩ કરોડ રૂપિયાની અને ટેક્નોલોજીકલ અપગ્રેડેશન અને ટ્રેઇનીંગ માટે લોન આપવામાં આવી હતી. બેન્ક દ્વારા નવેમ્બર ૧૯૯૬માં રૂપિયા ૯૨.૧૩ કરોડના બોન્ડ અને તેજ વર્ષમાં ૧૮૦ કરોડ રૂપિયાનો પબ્લિક ઇસ્યુ બહાર પડાયો હતો. ભારતના પસંદ કરાયેલા મેટ્રોપોલિટન સેન્ટરમાં ટેલિ બેન્કીંગ સુવિધા શરૂ કરનાર દેના બેન્ક ભારતની પ્રથમ બેન્ક બની હતી. આજે દેના બેન્ક મીડ સાઇઝ બેન્ક છે અને બેન્કમાં ભારત સરકાર ઇક્વીટી શેરનો ૬૫% જેટલો હિસ્સો ધરાવે છે.

બેન્કને લગતી કોઇ પણ માહિતી માટે આપ દેના બેન્કની લંડન રીપ્રેઝન્ટેટીવ અોફીસના ચિફ રિપ્રેઝન્ટેટીવ શ્રી નિર્મલ ડી. પટેલનો સંપર્ક કરી શકો છો.

Dena Bank Representative Office, 45, King William Street,

London. EC4R 9AN. Phone: +44 02037145615 Email: [email protected] or [email protected] Website: www.denabank.com

૦૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter