દુબઇઃ દુબઇમાં રહેતી ભારતીય સુચેતા સતીષે ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિજી ૨૦૨૦ એવોર્ડ પોતાના નામ કર્યો છે. તેણે સિન્ગિંગ કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યો છે. ૧૩ વર્ષની ટચુકડી સુચેતા બે-ચાર નહીં, પણ કુલ ૧૨૦ ભાષામાં ગાઇ શકે છે.
ગયા શુક્રવારે દિલ્હીમાં ૧૦૦ ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિજી એવોર્ડ ફંકશનનું આયોજન કરાયું હતું. ડો. એ.પી.જે અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને ઓસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર એ. આર. રહેમાન આ એવોર્ડને સપોર્ટ કરે છે. આ એવોર્ડ ડાન્સિંગ, મ્યુઝિક, આર્ટસ, રાઇડિંગ, એક્ટિંગ, મોડેલિંગ, વિજ્ઞાન, સંશોધન અને સ્પોર્ટ્સ કેટેગરીમાં આપવામાં આવે છે.
સુચેતા દુબઇમાં ઇન્ડિયન હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. એવોર્ડ જીત્યા બાદ તેણે જણાવ્યું કે મને મારા બે વર્લ્ડ રેકોર્ડ માટે સિલેક્ટ કરાઇ હતી. કોન્સર્ટ દરમિયાન અલગ-અલગ ભાષામાં સોન્ગ ગાવા બદલ અને નાની ઉંમરમાં કોન્સર્ટમાં લાંબા સમય સુધી ગાવા બદલ. ૧૨ વર્ષની ઉંમરે મેં દુબઇમાં ૬.૧૫ કલાકમાં ૧૨૦ ભાષામાં ગીત ગાયા હતા. ૧૨૦ ભાષામાં ગીત યાદ રાખવા અને ગાવા તે કોઇ નાનીસૂની વાત નથી. સૂચેતા એક પણ દિવસ ચૂક્યા વગર સતત રિયાઝ કરે છે.
સૂચેતા કહે છે કે હું સીબીએસઇ બોર્ડમાં અભ્યાસ કરું છું, પણ મારું માનવું છે કે વિદ્યાર્થીઓ તેમના રસની એક્ટિવિટી માટે સમય આપી શકે તે માટે તેમને સ્કુલમાંથી ઓછું હોમવર્ક મળવું જોઇએ. સુચેતાનું સ્વપ્ન છે કે એક વખત દુબઇના ટુરિસ્ટ એટ્રેક્શન પોઇન્ટ અલ પ્લાઝા પર પર્ફોર્મ કરવું છે.