1 બિલિયન પાઉન્ડની સુપરયોટ

લક્ઝુરિયસ G-Questમાં રહીને વિજ્ઞાનીઓ દરિયામાં સંશોધન કરશે

Monday 06th March 2023 10:22 EST
 
 

લંડનઃ સામાન્ય રીતે વિજ્ઞાનીઓને સંશોધનો કરવા પૂરતાં ભંડોળ અને યોગ્ય લેબોરેટરીની અછત નડતી રહે છે પરંતુ, હવે તેઓ સંપૂર્ણ લક્ઝરી જીવનના આરામ સાથે સંશોધનો કરી શકે તે માટે 1,000,000,000 પાઉન્ડના તોતિંગ ખર્ચે સુપરયોટના નિર્માણની યોજના ઘડાઈ છે. 215 મીટરની G-Quest સુપરયોટમાં ઓશનોગ્રાફિક લેબોરેટરી, મેડિકલ લેબોરેટરી અને નાની હોસ્પિટલની પણ વ્યવસ્થા થઈ શકે છે. સુપરયોટ વણથંભ્યો 20,000 નોટિકલ માઈલનો પ્રવાસ કરવાની ક્ષમતા ધરાવે છે.
કેલિફોર્નિયાના ડિઝાઈનર સ્ટીવ કોઝલોફના ભેજાંની નીપજ સમાન આ સુપરયોટમાં માલિકો સમુદ્રમાં તરતા રહીને પણ પરોપકારના કાર્યો પર નજર રાખી શકે છે. કોઝલોફ કહે છે કે સુપરયોટના ઉપરના ત્રણ ડેકની ડિઝાઈન માલિક અને તેમના મહેમાનો માટે ડિઝાઈન કરાયા છે. યોટનો બાકીનો 80 ટકા હિસ્સો ઓશનોગ્રાફિક રિસર્ચ, મેડિકલ રિસર્ચ, ગ્રીન પ્રોપલ્ઝન પ્રયોગો અને મેડિકલ સુવિધાને સમર્પિત રહેશે.
જોકે, ડિઝાઈનરે ‘સંશોધન, માનવતાવાદી લક્ષ્યો અને વૈભવના ભવિષ્ય’નો આ વિચાર વહેતો મૂક્યો છે અને તેનું પ્રોડક્શન કરવા કોણ આગળ આવશે તેની રાહ જોવાઈ રહી છે.
આ ઉપરાંત, G-Quest સુપરયોટમાં વિશાળ એરક્રાફ્ટ હેન્ગર પણ હશે જેમાં બે સિકોર્સી એસ-92 હેલિકોપ્ટર્સ ઉભા રહી શકશે, કર્મચારીઓ-વિજ્ઞાનીઓને કાંઠે પહોંચાડવા ઈલેક્ટ્રિક VTOL (વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ) અને અનેક નાના હેલિકોપ્ટર્સ પણ રાખી શકાશે. લાંબા અંતરથી કર્મચારીઓ-વિજ્ઞાનીઓને લાવવા-લઈ જવા બે સેશના કેરેવાન સીપ્લેન્સ પણ અહીં ખડા રહેશે. જમીન પર પ્રવાસ કરવા બે SUV અને ગેરેજ પણ બનશે. આ ગેરેજમાંથી દરિયાના પેટાળમાં સંશોધનો કરવા માટે U-Worx Research સબમરિન પણ લોન્ચ કરી શકાશે.
G-Quest સુપરયોટમાં 26 મહેમાનો સંપૂર્ણ વૈભવી જીવન માણી શકશે તેમજ ડોક્ટર્સ, સાયન્ટિસ્ટ્સ, પાઈલોટ્સ, નર્સીસ, રિસર્ચ એન્જિનીઅર્સ અને શિપના ક્રુ સહિત 150 લોકોને રહેવાની પણ વ્યવસ્થા હશે. યોટમાલિક માટે 3,000 સ્ક્વેર ફીટનો સ્યૂટ અને વિશાળ પ્રાઈવેટ સ્વિમિંગ પૂલ હશે. મહેમાનો માટે પણ અલગથી સ્પા, બાર અને સ્વિમિંગ પૂલ, વિશાળ ડાઈનિંગ અને લાઉન્જ એરિયાની વ્યવસ્થા રહેશે. યોટના હેલ્થ સ્યૂટમાં 5G કનેક્ટેડ રોબોટિક સર્જરીની સુવિધા સાથે 20 હોસ્પિટલ બેડ ઉપરાંત, MRI, એક્સ-રે ઈમેજિંગ, ઓપ્થેલ્મોલોજી વિભાગ અને ડેન્ટલ ફેસિલિટીનો પણ સમાવેશ કરાયો છે.
G-Quest સુપરયોટને હાઈડ્રોજન, મિથેનોલ, બાયોડિઝલ અને ભવિષ્યના ગ્રીન ફ્યૂલ્સથી બળતણ મેળવતા જેનસેટ એન્જિનોથી ચાર્જ કરાયેલી બેટરીમાંથી પાવર મળવાનો છે. થોરિયમ મોલ્ટન સોલ્ટ ન્યુક્લીઅર રીએક્ટરથી પાણી ગરમ કરાશે અને જનરેટર સાથે જોડાયેલાં સ્ટીમ ટર્બાઈનને ઊર્જા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter