મેમ્ફિસઃ અમેરિકાના મેમ્ફિસમાં રહેતા 12 વર્ષના ટેણિયા જેકસન ઓસવાલ્ટે ઘરેબેઠાં ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવીને વિજ્ઞાનીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. જે કામ કરવામાં મોટા ગજાના વિજ્ઞાનીઓ પણ માથું ખંજવાળતા થઇ જાય તે કામ જેક્સને રમત રમતમાં કરી નાંખ્યું છે. હવે જેકસને સૌથી નાની વયે આ સિદ્ધિ મેળવવા બદલ ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. અમેરિકાની ટોચની ગુપ્તચર એજન્સી એફબીઆઈના બે એજન્ટ આગોતરી જાણ કર્યા વિના જેકસનના ઘરે પહોંચી ગયા અને પૂછપરછ શરૂ કરી ત્યારે અન્યોને આ સિદ્ધિની જાણ થઇ હતી. એફબીઆઇ એજન્ટ એ તપાસવા આવ્યા હતા કે રિએક્ટરમાંથી કોઈ જોખમી ઊર્જા કે ગેસ તો લીક નથી થઇ રહ્યો ને. વાસ્તવમાં જેકસન પહેલાં તો ફ્યૂઝન પાછળનું વિજ્ઞાન સમજ્યો હતો. ત્યારબાદ તેણે એક ડેમો ફ્યૂઝન બનાવ્યું હતું. આ રિએક્ટર બનાવવા માટે તેણે પોતાનાં માતા-પિતા પાસે આર્થિક મદદ લીધી હતી.