લંડનઃ આજથી લગભગ 12 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પરથી લુપ્ત થયેલા જીવો હજુ પણ જીવિત હોવાના અહેવાલે ઇતિહાસવિદોમાં સનસનાટી મચાવી છે. બ્રિટનના એક વિજ્ઞાની ડો. ગ્રેગોરી ફોર્થે પોતાના એક પુસ્તકમાં આ દાવો કર્યો છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે મનુષ્યોના પ્રાચીન પૂર્વજ આજના આધુનિક યુગમાં પણ જીવિત છે. આ પૂર્વજોને હોમો ફ્લોરેસેંસિસ કહેવામાં આવે છે. તેઓ મૂળ રૂપથી ફ્લોરેસ ટાપુમાં વસવાટ કરતા હતા. આધુનિક યુગમાં આ ટાપુ ઇન્ડોનેશિયન દ્વીપ સમૂહનો હિસ્સો છે.
આ પૂર્વજોએ આ ટાપુ પર 60 હજાર વર્ષથી ૭ લાખ વર્ષ સુધી વસવાટ કર્યો હતો તેવું વિજ્ઞાનીઓનું અનુમાન છે. 2003માં વિજ્ઞાનીઓની એક ટીમને ફ્લોરેસ ટાપુની લિઆંગ બુઆ ગુફામાંથી આવી જ એક મહિલા જેવું દેખાતું હાડપિંજર મળી આવ્યું હતું ત્યાર બાદ ડો. ફોર્થે પોતાના રિસર્ચને આગળ વધાર્યું હતું.
ડો. ફોર્થનો દાવો છે કે, 30થી વધુ લોકોએ આવા હોબિટ જેવા જીવો જોયા છે. તેઓનું કહેવું છે કે મનુષ્યોથી અલગ દેખાતા આવા જીવો ફ્લોરેસ ટાપુ પર જોવા મળ્યા છે. તેઓના પુસ્તકમાં અપાયેલી જાણકારી અનુસાર શોધ દરમિયાન જે હાડપિંજર મળ્યું, તે ન તો કોઇ વાનરનું હતું કે ન તો કોઇ મનુષ્યનું હતું. આ અવશેષો કોઇ હોમો ફ્લોરેસેંસિસના વર્ણન સાથે મળતા આવે છે.
બીજી તરફ, વૈશ્વિક સ્તર પર વિશેષજ્ઞો આ દાવાને નકારી રહ્યા છે.
વિસ્કોન્સિન યુનિવર્સિટીના ડો. જોન હોક્સના મત અનુસાર, વાસ્તવિક રીતે જો કોઇ આવી પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે તો તેને લઇને કોઇ નિરીક્ષણ અત્યાર સુધી ના થયું હોય તેવું શક્ય જ નથી.
હોબિટ શા માટે કહેવાય છે?
હોમો ફ્લોરેસેંસિ જેઆરઆર ટોલ્કિનની કાલ્પનિક રચનાઓના આધારે હોબિટ કહેવાય છે. તેમની આ આગવી ઓળખનું કારણ તેમનું કદ છે, જે માત્ર 3 ફૂટ 6 ઇંચ હતું. જ્યારે મગજનું કદ તો મનુષ્યના મગજના આકાર કરતા એક તૃતિયાંશ હતું. ડો. ફોર્થે કહ્યું કે આ પ્રજાતિના અસ્તિત્વ અંગે ચોક્કસ દાવો ના કરી શકાય.