લંડન: પેરુમાં રહેતા 124 વર્ષના માર્સેલિનો અબાદ આ વયે પણ સ્વસ્થ અને સુખી જીવન જીવી રહ્યા છે. તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ હોવાનો દાવો કરતા સરકારી અધિકારીઓ કહે છે કે તેમનો જન્મ 1900માં થયો છે. પેરુ સરકારે માર્સેલિનોનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવા માટે રજૂઆત પણ કરી છે. સવાસો વર્ષના ઉંબરે પહોંચેલા આ દાદાજીનો આહાર આશ્ચર્યજનક છે. તેમનો પ્રિય ખોરાક વિવિધ પ્રકારના ફળો અને શીપ મીટ (ઘેટાંનું માંસ) છે.
સરકારનું કહેવું છે કે સેન્ટ્રલ પેરુના હુઆનુકો વિસ્તારમાં જન્મેલા માર્સેલિનો અબાદની ઉંમર 124 વર્ષ છે. હુઆનુકોના સુંદર પહાડોમાં રહેતા માર્સેલિનો અબાદ સ્વસ્થ જીવનશૈલી જીવી રહ્યા છે. તેમની તબિયત સંપૂર્ણપણે ઠીક છે. તાજેતરમાં પાંચમી એપ્રિલે તેમણે તેમનો 124મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેમના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. ગિનેસ વર્લ્ડ રેકોર્ડના પ્રવક્તાએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે ‘ગિનેસ વર્લ્ડ રેકોર્ડને એવી વ્યક્તિઓ તરફથી ઘણી અરજીઓ મળે છે જેઓ સૌથી વયોવૃદ્ધ જીવિત વ્યક્તિ હોવાનો દાવો કરે છે. જોકે, સંસ્થા દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ આ દાવાની પુષ્ટિ કરી શકશે.’ માર્સેલિનો અબાદનો જન્મ નાના શહેર ચાગલામાં થયો હતો. સરકારની નજરમાં તેને ત્યાં સુધી સરકારી આઈડી કે વૃદ્ધાવસ્થા પેન્શન મળ્યું ન હતું પરંતુ હવે જ્યારે સરકારે તેની ઓળખ કરી લીધી છે, ત્યારે તેને સરકારી આઈડી મળી ગયું છે અને પેન્શન પણ શરૂ થઈ ગયું છે. તેના જન્મદિવસ પર માર્સેલિનોએ જણાવ્યું હતું કે તેની જીવનશૈલી ખૂબ જ સરળ છે. ઉલ્લેખનીય છે કે હાલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વૃદ્ધ હયાત વ્યક્તિ તરીકે વેનેઝુએલાના 111 વર્ષીય વ્યક્તિનું નામ નોંધાયેલું છે.