ટોક્યો: શું તમે જાણો છો કે વિશ્વની સૌથી જૂની હોટેલ ક્યાં આવેલી છે અને આજે ક્યા સ્વરૂપમાં છે? હકીકતમાં દુનિયાની સૌથી જૂની હોટેલ જાપાનમાં માઉન્ટ ફૂજીના પહાડો વચ્ચે આવેલી છે, અને આ હોટેલનું નામ છે ‘નિશિયામા ઓશેન કેયૂનકન’. આ હોટેલનું નિર્માણ 1317 વર્ષ પહેલા કરવામાં આવ્યું હોવાનું નોંધાયેલું છે. આ હોટેલની ખાસ બાબત એ છે કે સમયના વહેવા સાથે તેણે પરિવર્તનને અપનાવ્યું હોવાથી આ હોટેલ આજે પ્રવાસીઓને તમામ પ્રકારની લક્ઝુરિયસ સુવિધા આપી રહી છે.
આ હોટેલને ફુઝિવારા મોહિતો નામની વ્યક્તિએ શરૂ કરી હતી. ત્યારથી લઇને આજદિન સુધી તેમના પરિવારનાં લોકો જ આ હોટેલને ચલાવી રહ્યા છે. તેમના પરિવારનાં અનેક લોકો હોસ્પિટાલિટી ક્ષેત્રે નામના કમાઈ ચૂક્યા છે. હાલ આ હોટેલનું સંચાલન તેમના પરિવારની બાવનમી પેઢી દ્વારા થઇ રહ્યું છે. આ હોટેલમાં ફક્ત 37 રૂમ છે, જે પરંપરાગત જાપાની રીતે બનાવવામાં આવ્યા છે. અહીં એક રાત્રિરોકાણનું ભાડું 375 પાઉન્ડ (આશરે 40 હજાર રૂપિયા) છે.