નવી દિલ્હીઃ નાશિકની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભણતો 14 વર્ષનો આર્યન શુક્લા ગણિત વિષયમાં અને ગણતરીઓમાં અસાધારણ પ્રતિભા ધરાવે છે અને તેણે એક જ દિવસમાં 6 વર્લ્ડ રેકોર્ડ બનાવીને ‘હ્યુમન કેલ્કયુલેટર’નો ખિતાબ મેળવ્યો છે.
મોટા મોટા આંકડાઓની ગણતરી માટે સહુ કોઇ કેલ્કયુલેટરનો ઉપયોગ કરે છે ત્યારે આર્યને આવી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર તો શું પેન કે પેપરની મદદ વિના જ, માત્ર મેન્ટલી ગણતરી કરીને ઇટલીના મિલાનમાં એક ટીવી-સિરીઝના સેટ પર સૌથી ફાસ્ટ ગણતરીના 6 ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.
સૌથી ઓછા સમયમાં આવી જટિલ ગણતરી કરીને છ-છ રેકોર્ડ બનાવનાર આર્યનની મમ્મી જણાવે છે કે તે નાનપણથી જ ગણિતમાં હોંશિયાર હતો અને તે દરરોજ માનસિક રીતે ગણતરી કરવાની પાંચથી છ કલાક પ્રેક્ટિસ કરે છે.
તે કઈ રીતે આવી અઘરી ગણતરીઓ કરી શકે છે એના જવાબમાં આર્યને જણાવ્યું કે અમુક ગણતરીઓ સેકન્ડના એકસોમાં ભાગમાં થઈ જાય છે એટલે હું સમજાવી નહીં શકું કે મારા મગજમાં શું થાય છે.
ઉલ્લેખનીય છે કે આર્યન સ્કૂલમાં પણ ટોપર છે અને મગજ શાંત રાખવા માટે યોગ કરે છે. આયર્નના નામે જે છ વિશ્વ વિક્રમ નોંધાયા છે તેના પર નજર ફેરવીએ તો...
• પાંચ આંકડાની 50 સંખ્યાઓનો સરવાળોઃ 25.19 સેકન્ડ
• ચાર અંકની 100 સંખ્યાઓનો સરવાળોઃ 30.9 સેકન્ડ
• ચાર અંકની 200 સંખ્યાઓનો સરવાળોઃ 1 મિનિટ 9.68 સેકન્ડ
• 20 અંકની સંખ્યાનો 10 અંકની સંખ્યા દ્વારા ભાગાકાર (કુલ 10 સેટ): 5 મિનિટ 42 સેકન્ડ
• પાંચ અંકની સંખ્યાનો બીજી પાંચ અંકની સંખ્યા સાથે ગુણાકાર (કુલ 10 સેટ): 51.69 સેકન્ડ
• આઠ અંકની સંખ્યાનો બીજી આઠ અંકની સંખ્યા સાથે ગુણાકાર (કુલ 10 સેટ) : 2 મિનિટ 35.41 સેકન્ડ