વોશિંગ્ટનઃ 14 વર્ષની ઉંમરે ટીનેજર્સને કાર ડ્રાઇવિંગનું લાઈસન્સ નથી મળતું, અને ના તો તેઓ મતદાન કરી શકે છે. જોકે લોસ એન્જલસના કેરન કાજીએ એલન મસ્કની કંપની સ્પેસએક્સમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂરો કરી લીધો છે. એટલું જ નહીં, તેણે હાલમાં કંપનીમાં ટેક્નિકલ ચેલેન્જિંગ ઈન્ટરવ્યૂ પાસ કર્યા પછી તેને જોબ ઓફર થઈ છે. હવે તે સેન્ટા ક્લેરા યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ પૂરો કરશે.
અમેરિકામાં 22 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશનની ડિગ્રી કોઈ પૂરી નથી કરતું. આ અંગે કેરને સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, ‘હું દુનિયાની સૌથી સારી કંપનીની ટીમમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાઈ રહ્યો છું. આ એ દુર્લભ કંપનીઓમાંની એક છે, જે ટેલેન્ટ જુએ છે, ઉંમર નહીં.’
કેરનનો દાવો છે કે આજ સુધી કોઈ પણ આ ઉંમરે આ સિદ્ધિ મેળવી નથી શક્યું. સ્પેસએક્સમાં જોબ સ્વીકાર્યા પછી તે દુનિયાનો સૌથી નાની વયનો સ્પેસ એન્જિનિયર બની જશે. અહીં તે બીજા અનુભવી એન્જિનિયર સાથે સ્પેસક્રાફ્ટ ડિઝાઈનિંગનું કામ કરશે. કેરન માત્ર વર્ષનો હતો ત્યારે જ તેનાં માતાપિતાને સંકેત મળી ગયા હતા કે તેમનો પુત્ર અસાધારણ છે. તેનું કારણ એ હતું કે તે બે વર્ષની વયે જ આખાં વાક્યો બોલી શકતો હતો. ટીવી-રેડિયો પર સાંભળેલા સમાચારો પણ સ્કૂલમાં સંભળાવતો હતો. તે થર્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેની શીખવાની ક્ષમતા એટલી ઝડપી છે કે થોડી જ ક્ષણોમાં તેને આખાં પ્રકરણ સમજાઈ જાય છે, અને નવ વર્ષની વય સુધીમાં તો તેણે લાસ પોસિટાસ કમ્યુનિટી કોલેજમાં એડમિશન લઈ લીધું હતું. તેનો મોટા ભાગનો સમય લેબમાં પસાર થતો હતો, જ્યાં બાકીના લોકો તેનાથી ઘણી મોટી ઉંમરના હતા. નાની વયથી જ તે અનેક કંપનીઓમાં કમ્પ્યુટર સાથે સંકળાયેલા પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો.