ઓટાવાઃ કેનેડામાં હમ્બોલ્ટ બ્રોન્કોસ દુર્ઘટના કેસના ભારતીય મૂળના આરોપી ટ્રકચાલક જસકિરતસિંહ સિદ્ધુને ભારત ડિપોર્ટ કરવાનો આદેશ અપાયો છે. કેલગરીમાં ઇમિગ્રેશન અને રેફ્યુજી બોર્ડની સુનાવણીમાં 24 મેના રોજ આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ટ્રક-બસ દુર્ઘટનામાં 16 લોકોનાં મૃત્યુ થયા હતા અને 13 લોકો ઘાયલ થયાં હતાં. જસિકરતસિંહ સિદ્ધુને ખતરનાક ડ્રાઇવિંગના આરોપમાં દોષિત ઠરાવાયો હતો. કેનેડાના મીડિયા અનુસાર, છઠ્ઠી એપ્રિલ 2018માં સાસ્કેચેવાન હાઇવે 335 પર આ અકસ્માત થયો હતો. કેલગરીના સ્થાયી નિવાસી સિદ્ધુએ હોકી ક્લબના ખેલાડીઓને લઈ જતી બસને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 16 ખેલાડીઓનાં મૃત્યુ પામ્યાં હતાં. સિદ્ધુને આ કેસમાં આઠ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.