યુએસમાં મોંઘવારી દર 8.3 ટકા છે અને વ્યાજદર 1980 પછીની સર્વોચ્ચ સપાટીએ છે. બીજી તરફ, લોકોની આવકમાં વૃદ્ધિ મોંઘવારી દરની સરખામણીમાં અડધી પણ નથી. એક રિપોર્ટ મુજબ છેલ્લા બે દાયકામાં રશિયા, ચીન અને સાઉદી અરેબિયા જેવા દેશોએ પોતાના નાગરિકોની આવક અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને જાપાન જેવા વિકસિત દેશોની સરખામણીમાં ઘણી ઝડપથી વધારી છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ ચીફ ઇકોનોમિક કોમેન્ટેટર માર્ટિન વુલ્ફનું માનવું છે કે યુરોપ અને અમેરિકામાં લોકોની આવક ઘટશે, કેમ કે મોંઘવારી રેકોર્ડ તોડશે. 2024ના અંત સુધી આ સ્થિતિ રહી શકે છે. માર્ટિન વુલ્ફે ભારતના અગ્રણી અખબારી સમૂહ ભાસ્કર જૂથ સાથે વાતચીત દરમિયાન વ્યક્ત કરેલા વિચારોઃ
• ભારત પર અસર ઓછી કેમ રહેશે?
ભારત હાલ વૈશ્વિક બજાર સાથે સંપૂર્ણપણે જોડાયેલું નથી. વ્યૂહાત્મક રીતે ભારત માટે આ તક છે, કેમ કે પશ્ચિમ અને ચીન-રશિયા બંને છાવણી ભારતને પોતાની પડખે લાવવા કોઇ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. આર્થિક રીતે ભારતની બેન્કોનું વૈશ્વિક બજારમાં બહુ ઓછું રોકાણ છે. ભારત ઇંધણની આયાત પર તો નિર્ભર છે પણ ખાદ્યાન્નની બાબતમાં આત્મનિર્ભર છે. પ્રતિબંધના ગાળામાં ભારત જો ઇરાન અને રશિયા પાસેથી ક્રૂડ ખરીદશે તો પશ્ચિમના દેશો નજરઅંદાજ કરશે. ભારતમાં અનાજ, દૂધ, શાકભાજી લોકલ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ રહેશે, જેથી લોકો મોંઘવારીમાં પણ સસ્તી વસ્તુઓથી ચલાવી લેશે. વિશ્વની સરખામણીમાં ભારત મંદીનો ગાળો સરળતાથી ખમી જશે. ભારતીય બજારમાં મંદી પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે.
• ભારત અમેરિકા અને યુરોપ તરફ જવાનું કેમ ઇચ્છશે?
બ્રુકિંગ્સ રિપોર્ટ (અ ન્યૂ યુએસ ટ્રેડ એગ્રીમેન્ટ)નું કહેવું છે કે રશિયા અને ચીનની એકતાનો મુકાબલો કરવા લાંબા ગાળે ચીન પર વ્યાપાર નિર્ભરતા ઘટાડવા અને પોતાના નાગરિકોની આર્થિક સુરક્ષા વધારવા અમેરિકા અને યુરોપ ફ્રી ટ્રેડ તરફ આગળ વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં બરાક ઓબામાએ ટ્રાન્સ-એટલાન્ટિક ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ (ટીટીઆઇપી)ની રૂપરેખા પણ તૈયાર કરી લીધી હતી. આ સંધિથી અમેરિકા-યુરોપ વચ્ચે વ્યાપાર પર લાગુ ડ્યુટી 98 ટકા સુધી દૂર થઇ જશે. રોજગારીમાં અનપેક્ષિત વૃદ્ધિ થશે. એટલે કે ચીનનું બજાર સંકોચાશે. ભારત જેવા દેશ તેની સાથે જોડાવા ઇચ્છશે.
• શું વિશ્વમાં ડોલરનો કોઇ વિકલ્પ નથી?
ડોલર મજબૂત થઇ રહ્યો છે. ઘણાં દેશો તેનો વિકલ્પ ઇચ્છી શકે છે પણ તે ઘણાં દાયકા સુધી શક્ય નહીં બને. તમામ દેશોનું 96 ટકા મોનેટરી ફંડ અમેરિકા અને તેના સાથી દેશોના ચલણમાં જમા છે. ચીનના ચલણમાં ફંડ માત્ર 2.5 ટકા છે. દુનિયાભરના દેશો ઉધાર લેવા નહીં ઇચ્છે ત્યાં સુધી ચીન ડોલરનો વિકલ્પ બની શકે તેમ નથી. તાનાશાહીને કારણે ચીનમાં બોન્ડ માર્કેટ બની શકે તેમ નથી. ચીન સિવાય કોઇ દેશ અમેરિકાનો વિકલ્પ બનવા નથી ઇચ્છતો. બળજબરી કરે તો ડોલરનો વિકલ્પ યુરો હોઇ શકે છે પણ યુરો અને ડોલર ગાઢ રીતે જોડાયેલા છે, જેના કારણે સ્થિતિ તટસ્થ જ રહેશે. એવામાં ભારત માટે ઉપયોગી એ હશે કે તે ડોલરમાં કમાય અને રૂપિયામાં ઉધાર લે, નહિતર આર્થિક સ્થિતિ ડગમગી શકે છે.