લંડનઃ ઘણા લોકો શાંતિની શોધમાં અલગ અલગ સ્થળોનો પ્રવાસ કરતા હોય છે. પરંતુ સ્પેનની આ મહિલાએ 230 ફીટ ઊંડી ગુફામાં એક જ સ્થળે 500 દિવસ વીતાવીને અલગ પ્રકારનો વિશ્વવિક્રમ સર્જ્યો છે. આ 500 દિવસ સુધી બહારની દુનિયા સાથે કોઇ સંપર્ક નહોતો. અલબત્ત, તેના હાલચાલ અને સ્વાસ્થ્ય પર નજર રાખવા તબીબી નિષ્ણાતો દ્વારા સીસીટીવી વડે તેના પર નજર જરૂર રાખવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, બિએટ્રિઝ ફ્લામેની નામની મહિલાએ સ્પેનના ગ્રેનેડાની 230 ફીટ ઊંડી ગુફામાં પોતાના જીવનના મૂલ્યવાન 500 દિવસો વિતાવ્યા હતાં. આ સાથે જ, 50 વર્ષીય મહિલાએ બહારની દુનિયા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખ્યા વગર અસંભવ દેખાતું કામ કર્યું હતું. ફ્લામેનીએ ગુફામાંથી નીકળીને 500 દિવસ બાદ અજવાળું જોયું હતું. તેણે 500 દિવસમાં 60 પુસ્તકો વાંચી નાંખ્યા છે.
20 નવેમ્બર 2021ના રોજ તે ગુફામાં ગઈ ત્યારે તેની ઉંમર 48 વર્ષની હતી. અને તે બહાર આવી ત્યારે તેણે એકલપંડે બે જન્મદિવસ ઉજવી લીધા હતા. ગુફામાં તેના મુકામ દરમિયાન બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું મૃત્યું થયું હતું. આ દરમિયાન રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું. આમ તેણે દુનિયાના ખાસ ગણાતા પ્રસંગો દરમિયાન પોતાનો સમય ગુફામાં પસાર કર્યો હતો.
ગુફામાંથી બહાર નીકળ્યા બાદ ફ્લામેનીએ મીડિયાને જણાવ્યું કે, તેને બહાર બોલાવવામાં આવી તે સમયે તે પુસ્તક વાંચી રહી હતી અને આટલા દિવસ પછી પણ તે ગુફામાંથી બહાર નીકળવા માંગતી નહોતી. ગુફામાં 500 દિવસના મુકામ દરમિયાન ફ્લામેનીએ 1,000 લિટર પાણી પીધુ હતું. જોકે તેણે એક પણ વખત સ્નાન કર્યું નહતું. એક રિપોર્ટ મુજબ, 500 દિવસ ગુફામાં પસાર કર્યા બાદ તેણે નવા ગિનિઝ વર્લ્ડ રેકોર્ડનું સર્જન કર્યું છે.