મુંબઇઃ મહાનગર મુંબઇ પર ૨૦૦૮માં ૨૬ નવેમ્બરના રોજ થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં સનસનીખેજ ખુલાસો થયો છે. લશ્કર-એ-તૈઇબાના આતંકવાદીમાંથી આ કેસમાં તાજના સાક્ષી બનેલા ડેવિડ કોલમેન હેડલીએ અમેરિકી જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની આપતા પાકિસ્તાનનો આતંકી ચહેરો બેનકાબ કરી નાખ્યો છે. તેણે આપેલી જુબાની ચોંકાવનારી જ નથી, પણ એક આતંકવાદી કૃત્યમાં પાકિસ્તાનના અધિકારી કઇ રીતે સંડોવાયેયા તે પણ ખુલ્લું પડ્યું છે.
૨૦૦૮ના મુંબઇ આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડાયું ત્યારથી માંડીને તેને પાર પાડવામાં આવ્યું ત્યાં સુધીની પ્રવૃત્તિમાં સંકળાયેલી પાકિસ્તાની સેના, તેની જાસૂસી સંસ્થા આઇએસઆઇના અધિકારીઓ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ તેમ જ અન્યોનાં નામ અને ભૂમિકા અંગે તેણે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
આતંકી હુમલાના આ કેસની સુનાવણી કરી રહેલી વિશેષ ‘ટાડા’ કોર્ટના ન્યાયાધીશ જી. એ. સનાપ સમક્ષ હેડલીએ જુબાની આપી હતી. ચોંકાવનારી કબૂલાત કરતાં ડેવિડ હેડલીએ જણાવ્યું હતું કે ૨૦૦૮ના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મુંબઇ પર હુમલો કરવાના બે નિષ્ફળ પ્રયાસો કરાયા હતા. હેડલીએ આ હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી વડો હાફિઝ સઇદ અને તેનો ગાઢ સાથી ઝકી-ઉર રહેમાન લખવી હોવાની માહિતી અદાલતને આપી હતી. તેમ જ હુમલાના આ ષડયંત્રમાં સીધા સંકળાયેલા પાકિસ્તાની સેના અને આઇએસઆઇના મેજર ઇકબાલ અને મેજર અલીનાં નામ પણ આપ્યાં હતાં.
ડેવિડ હેડલીની આ જુબાનીએ મુંબઇ હુમલામાં પાકિસ્તાને ભજવેલી ભૂમિકાને ઉઘાડી પાડી છે. મુંબઇ હુમલાને આઠ વર્ષ થવા આવ્યાં છે છતાં પાકિસ્તાન તેના કાવતરાખોરો સામે પગલાં લેવામાં ઠાગાઠૈયા જ કરી રહ્યું છે. તાજેતરમાં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલાએ સાબિત કર્યું છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનો સામે કોઇ કાર્યવાહી કરી જ નથી.
એક રીતે જોઇએ તો મુંબઇની અદાલતમાં આપેલી જુબાનીમાં હેડલીએ કશું નવું કહ્યું નથી. અગાઉ તે અમેરિકાની કોર્ટમાં પણ લશ્કર-એ-તૈયબા અને આઇએસઆઇનાં કાવતરાંની માહિતી આપી ચૂક્યો છે. પરંતુ ડેવિડ હેડલીએ મુંબઇની કોર્ટ સમક્ષ આપેલી જુબાની પુરાવા તરીકે માન્ય ગણાશે. હેડલીએ આપેલી માહિતીનો ઉપયોગ ભારત પાકિસ્તાનને ભવિષ્યમાં અપાનારા પુરાવાના નવા ડોઝિયરમાં કરી શકશે.
ભારત સરકારના ગૃહ રાજ્ય પ્રધાન રિજીજુએ જણાવ્યું હતું કે, મુંબઇ હુમલા કેસમાં ડેવિડ હેડલીની જુબાની ભારતને તાર્કિક તારણ તરફ દોરી જશે. બધા જાણે છે કે આ કેસમાં કોની કોની સંડોવણી છે. હેડલી કોના માટે અને કોનાં સમર્થનથી કામ કરતો હતો.
મુંબઈ હુમલા કેસમાં હેડલીને તાજનો સાક્ષી બનાવાયો છે. તેને અમેરિકામાં ૩૫ વર્ષની સજા થઈ છે. હેડલી સવારે સાતથી સાડા બાર વાગ્યા સુધી વિશેષ જજ જી. એ. સનપની કોર્ટ સમક્ષ હાજર થયો હતો. આ દરમિયાન તેણે ષડયંત્ર રચાયું ત્યારથી માંડીને અમલ કરવા સુધીમાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી, આઇએસઆઇ અધિકારીઓ વિષે માહિતી આપી હતી.
ISIએ રેકી કરાવી હતી
હેડલીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન-અફઘાન સરહદ નજીકના લાન્ડી કોટાલ ખાતેથી પાકિસ્તાની સેનાના નિવૃત્ત મેજર અબ્દુલ રહેમાન પાશા અને મારી ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે હું વિદેશી જેવો દેખાતો હતો. અટકાયત બાદ મેજર અલીએ મારી પૂછપરછ કરી હતી. મેં તેમને જણાવ્યું હતું કે ભારતમાં મારી બિઝનેસ ઓફિસ છે તેથી તેમને લાગ્યું હતું કે હું ભારતમાં તેમના માટે જાસૂસી કરી શકીશ. આથી તેમણે મારો પરિચય આઇએસઆઇના મેજર ઇકબાલ સાથે કરાવ્યો હતો.
આ પછી આઇએસઆઇએ બોમ્બ વિસ્ફોટનો બદઇરાદો પાર પાડવા લશ્કર-એ-તૈઇબા સાથે મળીને હેડલી પાસે મુંબઇ અને દિલ્હીના મહત્ત્વનાં સ્થાનોની રેકી કરાવી હતી.
બે વાર હુમલાનો પ્રયાસ નિષ્ફળ
હેડલીએ કોર્ટને કહ્યું કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ પહેલાં બે વાર આતંકવાદી હુમલાના પ્રયાસ થયા હતા. લશ્કરના હેન્ડલર (૨૬/૧૧નો આરોપી) સાજીદ મીરે તેને આ જાણકારી આપી હતી.
સપ્ટેમ્બર ૨૦૦૮માં કરાચીથી નીકળેલી બોટ સમુદ્રમાં ખડક સાથે ટકરાઈ ગઈ હતી. લાઇફ જેકેટને પરિણામે નૌકામાં હાજર ૧૦ આતંકી બચી ગયા હતા, પરંતુ શસ્ત્રસરંજામ ડૂબી ગયો હતો. ઓક્ટોબરમાં બીજો પ્રયાસ કરાયો તે પણ નિષ્ફળ રહ્યો હતો. અંતે ૧૦ જેટલા આતંકવાદીઓએ ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ હુમલો કરવામાં સફળ રહ્યા હતા.
બધા હુમલામાં લશ્કર-એ-તૈયબા
હેડલીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું લક્ષ્યાંક કાશ્મીરનાં લોકોને સહાય કરવાનું અને ભારતીય સેના સામે લડવાનું છે. ભારતમાં થતી તમામ આતંકી પ્રવૃત્તિઓ લશ્કર-એ-તૈયબા ચલાવી રહ્યું છે.
હેડલીએ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઇદની તસવીર ઓળખી બતાવીને તેને મુંબઇ ૨૦૦૮ના આતંકી હુમલાના કાવતરાનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો હતો.
ડેવિડ હેડલીએ જણાવ્યું હતું કે, હાઇફઝ સઇદથી પ્રભાવિત થઇને જ હું લશ્કર-એ-તૈયબામાં જોડાયો અને તેની સૂચનાઓ પર કામ કરતો હતો. મને એકે-૪૭, બોંબ વિસ્ફોટ કરવાની તેમ જ અન્ય શસ્ત્રોની તાલીમ પણ અપાઇ હતી.
પિતા રાજદ્વારી, માતા સેક્રેટરી
૩૦ જૂન, ૧૯૬૦ના રોજ જન્મેલા ડેવિડ હેડલીના પિતા સૈયદ સલીમ ગિલાની પાકિસ્તાનના જાણીતા રાજદ્વારી હતા. અમેરિકન માતા એલિસ સેર્રિલ હેડલી પાકિસ્તાન દૂતાવાસમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી. હેડલીના જન્મ બાદ આ પરિવાર પાકિસ્તાનનાં લાહોર આવીને વસ્યો હતો.
૧૯૭૭માં હેડલી માતા પાસે અમેરિકા ગયો હતો. આ પછી પાકિસ્તાનની અવારનવાર મુલાકાત દરમિયાન ડ્રગ તસ્કરોના સંપર્કમાં આવ્યો હતો. ૧૯૮૮માં હેરોઇનની દાણચોરી માટે તેને પાકિસ્તાનમાં જેલની સજા થઇ હતી. જેલમાંથી છૂટયા બાદ તે અમેરિકા માટે જાસૂસી કરવા લાગ્યો હતો.