બેંગકોકઃ થાઈલેન્ડમાં ત્રણ વર્ષની વોટર બફેલો એટલે કે જળ ભેંસ આજકાલ રાષ્ટ્રીય અખબારોમાં ચમકી છે. સામાન્ય રીતે વોટર બફેલોની ઉંચાઇ 5 ફૂટ આસપાસ હોય છે પણ આ વોટર બફેલો 20 ઈંચ વધારે ઉંચો છે. ગુજરાતીમાં જેને પાડો કહેવાય એવો આ નર વોટર બફેલો નાખોન રાચસિમા વિસ્તારમાં નિનલાની ફાર્મમાં રહે છે.
2021માં એનો જન્મ થયો ત્યારે જ ફાર્મ માલિકને એની ઊંચાઈ વધારે લાગી એટલે જ એનું નામ મોન્સ્ટર ગોરીલાની ફિલ્મ પરથી ‘કિંગ કોંગ’ રાખી દીધું. કિંગ કોંગની વિશાળ કાયા જોઈને એ અત્યંત આક્રમક લાગે પણ ખરેખર તો તે અત્યંત શાંત છે. ફાર્મની માલિક સુચાર્ત બુનચારેયોન સાથે કિંગ કોંગ મસ્તી કરે છે અને વહાલ પણ કરે છે. અત્યાર સુધી કદી કિંગ કોંગે આક્રમકતા બતાવી હુમલાનો પ્રયાસ કર્યો નથી. તેનો સ્વભાવ જાણે રમતિયાળ ગલુડિયા જેવો છે. તે એકદમ ફ્રેન્ડલી છે. એને પાણીમાં રમવું બહું ગમે છે. કેળા બહુ ભાવે છે. અને તેની સંભાળ લેતા બધા સાથે રમવાનું ગમે છે
ફાર્મના માલિક કહે છે, ‘ફાર્મમાં બધા કિંગ કોંગને પ્રેમ કરે છે. મને એ બહુ ગમે છે. એ રોજ 35 કિલો ખોરાક ખાય છે. એને ઘાસ અને મકાઈ ભાવે છે. તેનો દિવસ સવારે છ વાગ્યે શરૂ થાય છે. પછી એ બહાર યાર્ડમાં અને પોન્ડમાં પાણીમાં રમે છે. નાસ્તા પહેલાં એને નવડાવાય છે અને પછી એ સાંજ સુધી જે કરવું હોય એ કરે છે. ત્યાર બાદ એને ફરીથી નવડાવી રાતનું ભોજન અપાય છે અને સૂવા માટે લઈ જવાય છે. ઉલ્લેખનીય થાઇલેન્ડમાં વોટર બફેલોનું વિશેષ મહત્ત્વ છે. એ ખેતી અને ટ્રાન્સપોર્ટેશનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.