બર્લિનઃ જર્મનીમાંથી મળેલું અને 3,000 વર્ષથી પણ વધુ પુરાણું તીરનું ફણું યુરોપની પ્રાચીન લડાઈની કથા કહે છે. આ તીર ખોપરીનાં એક હિસ્સામાં ઘૂસેલું છે. આમ તો એવી ધારણા રહી છે કે કાંસ્ય યુગ (બ્રોન્ઝ એજ)માં યુરોપમાં શાંતિ પ્રવર્તતી હતી પરંતુ, આ પ્રાચીન રણક્ષેત્ર મળી આવતા તે ધારણા ખોટી પુરવાર થઈ છે.
બર્લિન શહેરથી આશરે 80 માઈલ ઉત્તરે ટોલેન્સે વેલી પુરાતત્વીય સ્થળેથી યુનિવર્સિટી ઓફ બર્લિનના પુરાતત્વવિદ લેઈફ ઈન્સેલમાન અને સાથીઓને કાંસ્ય ધાતુ અને ચકમકિયા પથ્થરના તીરના 54 ફણાં મળ્યાં છે. આ સ્થળે ઈસુ પૂર્વે 1250ના વર્ષની આસપાસ આશરે 2,000 લોકો વચ્ચે સંગ્રામ ખેલાયો હશે તેમ સંશોધકો કહી રહ્યા છે. તે કાળમાં યુરોપમાં અન્ય સ્થળે આટલા મોટા પાયે યુદ્ધ થયું ન હતું. ‘એન્ટિક્વિટી’ પ્રસિદ્ધ સંશોધનમાં પુરાતત્વવિદોનું કહેવું છે કે વર્તમાન ઉત્તર જર્મનીની નદીની ખીણમાં બે પ્રાચીન લશ્કરો વચ્ચે સંગ્રામ ખેલાયો હતો. જોકે, કેટલાંક તીરના ફણાંનો અભ્યાસ જણાવે છે કે તેમની બનાવટ સેન્ટ્રલ યુરોપના દક્ષિણ વિસ્તારની હોવાથી કેટલાક આક્રમણકારી યોદ્ધાઓ તે પ્રદેશમાંથી આવ્યા હોઈ શકે છે.
સંશોધકોના મતે આ યુદ્ધમાં મૃત્યુઆંક 750થી 1000 વચ્ચે રહ્યો હશે. આ સ્થળેથી મળી આવેલા હજારો માનવ અસ્થિઓમાંથી આશરે 150 લોકોના અવશેષોની ઓળખ થઈ શકી છે અને મોટા ભાગના મૃતકોની વય 20થી 40 વર્ષની હોવાની ધારણા છે. લાકડાની ગદાઓ, કુહાડીઓ, ચાકુઓ અને તીરો મળી આવ્યાં છે પરંતુ, તલવારો મળી નથી. આમ છતાં, કેટલીક ખોપરીઓ પરના કાપા સૂચવે છે કે તલવારનો ઉપયોગ થયો હોઈ શકે. ઓછામાં ઓછાં પાંચ અશ્વના હાડકાં પણ મળી આવ્યા છે જેનાથી યુદ્ધમાં કેટલાકે ઘોડાના અસવાર હોવાનું જાણી શકાયું છે.