નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય વેપાર સોદાને રૂપિયામાં સેટલ કરવાની ભારતની નીતિની અસર ધીમે ધીમે વ્યાપક થઈ રહી છે. રશિયા ભારતીય રૂપિયામાં વિદેશી વેપાર શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો તેના થોડા દિવસો બાદ હવે લગભગ 35 દેશોએ ભારતીય રૂપિયામાં વેપાર કરવા માટે રસ દાખવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) દ્વારા જુલાઈ 2022માં વિદેશી ફંડિંગ આકર્ષવા અને ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ સિસ્ટમની દરખાસ્ત કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં રશિયા બાદ શ્રીલંકાએ પણ ભારતીય રૂપિયામાં કારોબાર કરવામાં રસ દર્શાવ્યો હતો. જોકે હવે આ યાદી લાંબી થઈ રહી છે અને ઇચ્છુક દેશોમાં બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા પડોશી દેશોનો ઉમેરો થયો છે. આ દેશો પણ તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે. મોરેશિયસ અને શ્રીલંકા જેવા દેશો માટે વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટને આરબીઆઈની મંજૂરી મળી ગઈ છે.
અહેવાલો અનુસાર તાજિકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન પણ રૂપિયામાં વેપાર સેટલ કરવા માટે વાતચીત કરી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીએ અધિકૃત દસ્તાવેજને ટાંકીને અહેવાલમાં કહ્યું કે આ ચાર દેશોએ રૂપિયામાં વેપાર સેટલમેન્ટ માટે વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટમાં રસ દર્શાવ્યો છે. આ દેશો ભારતમાં એકાઉન્ટ ચલાવતી બેંકોના સંપર્કમાં છે.
વોસ્ટ્રો એકાઉન્ટ શું છે?
આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેટલમેન્ટ માટે વોસ્ટ્રો એકાઉન્ટ જરૂરી હોય છે. વોસ્ટ્રો એક લેટિન શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘તમારું’. આમ વોસ્ટ્રો એકાઉન્ટનો મતલબ છે, ‘તમારું ખાતું’. વોસ્ટ્રો એકાઉન્ટ અન્ય બેન્ક વતી એક સંપર્કકર્તા બેન્ક ઓપરેટ કરે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, એચએસબીસીનું વોસ્ટ્રો એકાઉન્ટ ભારતમાં એસબીઆઇ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.