ઓટાવા: કેનેડાના મશહૂર ઉદ્યોગપતિ ફ્રેન્ક સ્ટ્રોનકની યૌનશોષણના આરોપમાં ધરપકડ કરાઈ. સ્ટ્રોનક વિશ્વની સૌથી મોટી ઓટોપાર્ટ્સ કંપનીના સ્થાપક છે. પોલીસે હાલમાં કેટલીક શરતો પર તેમને જામીન પર મુક્ત કર્યા છે.
કેનેડાની પીલ રિજનલ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે 91 વર્ષના સ્ટ્રોનક પર 80ના દાયકાથી લઈને 2023 સુધી મહિલાઓના યૌનશોષણનો આરોપ છે. ઉદ્યોગપતિને દુષ્કર્મ, મહિલાઓને જબરદસ્તીથી કેદમાં રાખવા સહિત પાંચ અપરાધોમાં આરોપી છે. ઉદ્યોગપતિ વિરુદ્ધ એકથી વધુ મહિલાના યૌનશોષણનો આરોપ છે. જોકે કેટલી મહિલાઓએ આ આરોપ મૂક્યો છે તે માહિતી અપાઇ નથી. પોલીસનું કહેવું છે કે આ એક હાઇપ્રોફાઇલ કેસ છે. અમારી ટીમ પર પીડિતોની સુરક્ષાની જવાબદારી છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી મહિલાઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તે કહી શકાય નહીં. વર્ષ 1957માં તેમણે ઘરના જ ગેરેજમાં જ એક કંપનીનો પાયો નાખ્યો અને ઓટોપાર્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો. આજે તેમની કંપની મેગના ઈન્ટરનેશનલ 34 દેશોમાં બિઝનેસ કરે છે અને તેમાં 1.70 લાખ કર્મચારીઓ કામ કરે છે.