બર્લિંનઃ જર્મનીના ઓક્સબર્ગ વિસ્તારમાં 1521માં બનેલી ફેગુરેઈ ગેટેડ કોલોનીને દુનિયાના સૌથી જૂના હાઉસિંગ પ્રોજેક્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. અહીંની 57 ઈમારતોમાં 142 એપાર્ટમેન્ટ છે, અને આ એપાર્ટમેન્ટનાં ભાડાં ક્યારેય વધ્યાં નથી. આજે પણ અહીં એક વર્ષનું ભાડું - તમે કલ્પના ન કરી શકો એટલું એટલે કે માત્ર એક યુએસ ડોલર જ છે. આ એક ડોલરના 12 ભાગ કરીને તમે જ ગણી લો કે મહિને કેટલી રકમ થઇ.
સામાન્ય સંજોગોમાં ભાડાના મકાનમાં રહેનાર લોકોને દર વર્ષે વધી ગયેલું ભાડું ચૂકવવું પડે છે અને જો તમે વધેલું ભાડું આપતા નથી તો મકાનને ખાલી કરવાની ફરજ પડતી હોય છે. જોકે જર્મનીના ઓક્સબર્ગ શહેરમાં આશરે 500 વર્ષ પહેલા બનેલી ફેગુરેઇ ગેટેડ નામની કોલોનીમાં સાવ નજીવું ભાડું છે. આના કરતા પણ મોટી બાબત એ છે કે અહીં ભાડાં ક્યારેય વધ્યા જ નથી. 16મી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે ફેગુરેઇ ગેટેડ કોલોનીમાં તમામ લોકો મકાન ભાડે લઇ શકતા નથી. આ માટે કેટલાક ખાસ નિયમો સોસાયટી સ્થપાઇ ત્યારથી અમલી છે. અહીં મકાન રેન્ટ પર મેળવવા માટે કેથોલિક ઓક્સબર્ગના લોકો જ અરજી કરી શકે છે.