લંડન: અમેરિકન ટેલિકોમ કંપનીઓ દ્વારા 5જી નેટવર્ક શરૂ કરવાના મામલે એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સર્જાયેલા વિવાદને પગલે અમેરિકા આવતી અને જતી કેટલીક ફ્લાઇટ રદ કરી દેવાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાડમારીમાં મૂકાઇ ગયાં હતાં. ૧૯ જાન્યુઆરીએ એટીએન્ડટી વેરિઝોન ટેલિકોમ કંપનીએ એરક્રાફ્ટ ટેકનોલોજીને અસર કરી શકે તેવી 5જી ટેકનોલોજી શરૂ કરવાનું મોકુફ રાખ્યા છતાં સંખ્યાબંધ ફ્લાઇટ રદ કરી દેવાઇ હતી. બોઇંગ કંપની અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન તરફથી ચેતવણી અપાયા બાદ બોઇંગ ૭૭૭ વિમાનની ઉડાનો રદ કરી દેવાઇ હતી જ્યારે કેટલીક એરલાઇન્સે એરબસના અન્ય પ્લેન દ્વારા ફ્લાઇટ સંચાલન જારી રાખ્યું હતું. ફ્લાઇટ અવેરના જણાવ્યા અનુસાર ૧૯ જાન્યુઆરીએ બપોર સુધીમાં જ ૨૫૦ કરતાં વધુ ફ્લાઇટ રદ કરાઇ હતી. જોકે બીજા જ દિવસથી મોટા ભાગની વિમાનસેવા પૂર્વવત્ થઇ જવા છતાં 5જી મામલે શરૂ થયેલો વિવાદ શમતો નથી.
શું છે મૂળ સમસ્યા?
અમેરિકામાં 5જી સેવા શરૂ કરવાના મામલે ટેલિકોમ અને એરલાઇન્સ કંપનીઓ વચ્ચે ઘણા સપ્તાહોથી વિવાદ ચાલે છે. એરલાઇન્સ કંપનીઓ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની દલીલ છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા દેશમાં સ્થાપિત થઇ રહેલી ફ્રિક્વન્સી અને ટ્રાન્સમિશન સ્ટ્રેન્ગ્થ કેટલાક પ્રકારના વિમાનો માટે ખરાબ હવામાનમાં લેન્ડિંગ માટે જરૂરી હાઇટ રિડિંગ્સને અવરોધરૂપ બની શકે છે.
શા માટે આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થઇ
મહત્ત્વના એરપોર્ટ નજીકના વિસ્તારોમાં 5જી નેટવર્ક વિલંબિત કરવા અંગેનો નિર્ણય ટેલિકોમ કંપનીઓએ મોડેથી લેતાં એરલાઇન્સ કંપનીઓને ૧૯ જાન્યુઆરીએ મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરવા ફરજ પડી હતી. સમગ્ર એશિયા, મિડલ ઇસ્ટ અને યુરોપની કેટલીક એજન્સીઓએ ફ્લાઇટ રદ કરી હતી અને કેટલાકે બોઇંગ ૭૭૭ને સ્થાને અન્ય વિમાનો દ્વારા ઉડાન ભરી હતી.
એરલાઇન્સ કંપનીઓને શેનો ભય સતાવી રહ્યો છે
અમેરિકામાં 5જી નેટવર્ક માટે પસંદ કરાયેલી સી-બેન્ડ ફ્રિક્વન્સી એરોપ્લેનના ઓલ્ટિમિટરની ફ્રિક્વન્સીની ઘણી નજીક છે. અમેરિકામાં ટેલિકોમ ઓપરેટરોને ૩.૭થી ૩.૯૮ની ફ્રિક્વન્સી અલોટ કરાઇ છે. આ માટે ટેલિકોમ કંપનીઓએ અબજો ડોલર ખર્ચ્યા છે. એરોપ્લેનના રેડિયો ઓલ્ટિમિટર ૪.૨ અને ૪.૪ ગીગા હર્ટ્ઝ પર કામ કરે છે. એરલાઇન્સ કંપનીઓ આ બાબતથી ઘણી ચિંતિત છે કારણ કે ઓલ્ટિમિટર વિમાન અને જમીન વચ્ચેનું અંતર માપે છે. રાત્રે અથવા ખરાબ હવામાનમાં લેન્ડિંગ માટે તે અત્યંત મહત્વનું ગણાય છે. આ બંને ફ્રિક્વન્સી વચ્ચેનો ટકરાવ ગંભીર વિમાની અકસ્માતો સર્જી શકે છે.
ફક્ત અમેરિકામાં જ ટેન્શન
આ પ્રકારનું ટેન્શન ફક્ત અમેરિકામાં જ સર્જાયું છે. યુરોપમાં આવી કોઇ સમસ્યા સર્જાઇ નથી. યુરોપમાં 5જી નેટવર્ક માટે ૩.૪થી ૩.૮ની ફ્રિક્વન્સી અપાઇ છે. જેના પગલે મોબાઇલ કંપનીઓ અને વિમાનોની ફ્રિક્વન્સી વચ્ચે ટકરાવની કોઇ સંભાવના નથી. યુરોપના દેશોમાં ઘણા મહિનાઓથી 5જી નેટવર્ક શરૂ થઇ રહ્યાં છે અ અત્યાર સુધી એરલાઇન્સ કંપનીઓને કોઇ સમસ્યા નડી નથી. જાપાનમાં પણ ટેલિકોમ કંપનીઓને ૪.૧ની ફ્રિક્વન્સી અપાઇ છે પરંતુ ત્યાં આ પ્રકારની કોઇ સમસ્યા સર્જાઇ નથી.