કુવૈત સિટીઃ એલિયન્સ વિશે આમ તો વર્ષોથી જાતભાતના દાવા કરાય છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે હવે જે હકીકત સામે આવી છે તેણે ફરી એક વાર એવી ચર્ચા જગાવી છે કે એલિયન્સ સેંકડો વર્ષોથી આ પૃથ્વી પર અવર-જવર કરતા રહ્યા છે. વાસ્તવમાં, કુવૈતના પુરાતત્ત્વવિદોએ આશરે 7 હજાર વર્ષ જૂની માટીની પ્રતિમા શોધી કાઢી છે, જે એલિયન્સ જેવી દેખાય છે. પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આ પ્રતિમા આશ્ચર્યજનક છે. કુવૈત કે અરેબિયન ગલ્ફમાં જોવા મળેલી આ પ્રકારની પ્રથમ પ્રતિમા છે. નોર્ધર્ન કુવૈતના પ્રાગૈતિહાસિક સ્થળ બહરામાં કુવૈત અને પોલેન્ડના પુરાતત્ત્વવિદોની સંયુક્ત ટીમ 2009થી ખોદકામ કરી રહી છે. તે અરબી દ્વીપકલ્પની સૌથી જૂની વસાહતોમાંની એક હતી, જે 5 હજારથી 5500 ઇસ્વી સન પૂર્વે (બીસી) સુધી અસ્તિત્વમાં હતી. અહીંથી જ આ પ્રતિમા મળી આવી છે, જેની આંખો ત્રાંસી, નાક સપાટ અને ખોપરી લાંબી છે.