ઓટાવા: કેનેડાના અધિકારીઓએ યુનિવર્સિટીના નકલી એડમિશન ઓફર લેટર કૌભાંડમાં સંડોવાયેલા ભારતીય ઈમિગ્રેશન એજન્ટ બ્રિજેશ મિશ્રાની 23 જૂને ધરપકડ કરી છે. કેનેડામાં ગેરકાયદો ઘૂસવાનો પ્રયાસ કરતા સમયે તેને ઝડપી લેવાયો હતો. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીએ કહ્યું, બ્રિજેશ સામે ઈમિગ્રેશન એન્ડ રેફ્યૂજી પ્રોટેકશન એક્ટ હેઠળ 5 આરોપ છે.
આ વર્ષની શરૂઆતમાં કેનેડાએ ફેક એડમિશન ઓફર લેટરને લઈને 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા માટે નોટિસ જારી કરી હતી. આ વિદ્યાર્થીઓએ જલંધર સ્થિત એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસ પાસેથી 2018 થી 2022 સુધી સ્ટૂડન્ટ વિઝા માટે અરજી કરી હતી. બ્રિજેશ આ જ એજન્સીનો પ્રમુખ હતો. તેણે તમામ ખર્ચ માટે વિદ્યાર્થીદીઠ 16 લાખ રૂપિયા પડાવ્યા હતા. વિદ્યાર્થીઓએ કેનેડામાં સ્થાયી નિવાસી તરીકે અરજી કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, એડમિશન ઓફર લેટર નકલી હતા. ત્યારબાદ, વિદ્યાર્થીઓને ડિપોર્ટેશન નોટિસ જારી કરાઈ. ત્યારથી મિશ્રા ફરાર હતો. સત્તાવાર આંકડા અનુસાર, 2022માં કેનેડામાં એક્ટિવ વિઝા ધરાવતા 8 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે, જેમાંથી લગભગ 32,000 ભારતીયો છે.