બૈજિંગઃ ચીનના 80 વર્ષીય વાંગ વાન લીએ અત્યાર સુધીમાં 700થી વધુ નિરાધાર બાળકોની મદદ કરીને તેમને તેમના ઘરે પાછાં પહોંચાડ્યાં છે. 1979થી શરૂ થયેલી તેમની આ સફર આજે પણ જારી છે. વાંગ જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેમને ચોરીના ખોટા આરોપમાં ફસાવી દેવાયા હતા. જેના કારણે તેમને 16 વર્ષ સુધી સુધારગૃહમાં સખત શ્રમ કરવો પડયો. ત્યાંથી છૂટયા બાદ તેમણે એક ફેક્ટરીમાં કામ શરૂ કર્યું અને ધીરે-ધીરે તેમનું જીવન ફરીથી વસાવવા લાગ્યા. જોકે એક ઘટનાએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમને ઠંડીમાં કાંપતો 15 વર્ષીય છોકરો મળ્યો, જે એક કોલસાની ખાણથી ભાગ્યો હતો. વાંગે તેને તેમના ઘરમાં આશરો આપીને ભોજન કરાવ્યું અને સુરક્ષિત ઘર પરત ફરવા ટ્રેનની ટિકિટ પણ અપાવી. આ ઘટનાએ તેમને ભટકેલા બાળકોની મદદ કરવા પ્રેરિત કર્યા. અને તેમનો આ સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે.