834 વર્ષથી અડગ ઉભો છે 65 મીટર ઊંચો ‘મિનાર-એ-જામ’

Friday 21st June 2024 11:09 EDT
 
 

કાબુલઃ આ મિનાર અફઘાનિસ્તાનના સેંકડો વર્ષના ઇતિહાસનો સાક્ષી છે એમ કહો તો પણ તેમાં લગારેય ખોટું નથી. મિનાર-એ-જામ કે જામની મિનાર તરીકે જાણીતો અને 834 વર્ષ પ્રાચીન આ મિનાર પશ્ચિમી અફઘાનિસ્તાનના ગોર પ્રાંતના શહરક જિલ્લામાં આવેલો છે. જામ નદી અને હરીરૂદ નદીના સંગમ પાસે આવેલો મિનાર-એ-જામ ચારેય બાજુથી 2400 મીટર ઊંચા પહાડોથી ઘેરાયેલો છે. સન 1190ના દશકમાં બનેલા આ મિનાર પર ઈંટ, ચૂનાનું પ્લાસ્ટર અને ટાઇલ્સ લાગેલાં છે જેના પર ધાર્મિક શ્લોકો અને આકૃતિઓ બનેલી છે.

હરીરૂદ નદીના કિનારે ઊભેલા આ મિનારની ઊંચાઈ લગભગ 65 મીટર છે. આ મિનારને દિલ્હીના કુતુબ મિનાર બાદ દુનિયાનો બીજો સૌથી ઊંચો મિનાર માનવામાં આવે છે. કહેવાય છે કે કુતુબ મિનારને હકીકતે આ જ મિનારથી પ્રેરિત થઈ બનાવામાં આવ્યો હતો. 1886માં ભારતના બ્રિટિશ ઓફિસર થોમસ હોલ્ડિકે આનું વર્ણન તેના રિપોર્ટમાં કર્યું છે. મિનાર-એ-જામ ગોરી સામ્રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની ફિરૂજકુહ પાસે બનાવાયો હતો. 12મી-13મી સદીમાં ગોરી સામ્રાજ્ય પૂર્વી ઈરાનથી લઈને ઉત્તર ભારતમાં દિલ્હી સુધી ફેલાયેલું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter